વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં
કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે
ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આગામી 6 કલાકમાં બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 360 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે. દરમિયાન નવા અહેવાલ અનુસાર હવામાન વિભાગે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વધી ગયું છે અને યલ્લો એલર્ટને બદલીને હવે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવાયું છે. મુંબઈમાં પણ બિપરજોય વાવાઝોડાની અસરને લીધે વરસાદ શરૂ થઈ ગયો છે.
વાવાઝોડાની ગતિ ધીમી પડી, પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપ
હાલ બિપરજોય વાવાઝોડાની ગતિ ધીમી પડી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વાવાઝોડું પ્રતિકલાક 2 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે, તેથી આગામી 24થી 48 કલાકમાં રાજ્યના દરિયાકિનારે વાવાઝોડું ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે, જેને ધ્યાને રાખી આ દરિયાકાંઠના વિસ્તારોમાં વધુ સાવચેતી રાખવામાં આવી રહી છે. આ લખાણ છે ત્યાં સુધી વાવાઝોડું પોરબંદરથી 390 કિ.મી., દ્વારકાથી 430 કિ.મી. અને નલિયાથી 520 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉપરાંત આ વાવાઝોડું 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠા નજીક પહોંચવાની સંભાવના વ્યક્ત કરાઈ છે, તો કચ્છ અને પાકિસ્તાન વચ્ચે વાવાઝોડું ટકરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો
અમરેલીમાં ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જાફરાબાદનો દરિયો ગાંડોતુર થયો છે. જાફરાબાદના દરિયામાં વધુ પડતો કરંટ જોવા મળ્યો છે. દરિયામાં 10 ફૂટ ઉપર મોજા ઉછળી રહ્યા છે.
માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા
બિપોરજોય વાવાઝોડાને ધ્યાને રાખી માંડવી, અબડાસાના 19-19 ગામોને એલર્ટ કરાયા છે. માંડવી-જખૌમાં SDRFની 2 ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે તેમજ શેલ્ટર હોમ તૈયાર કરાયા છે. વાવાઝોડાની સંભાવનાને ધ્યાને રાખી તાલુકા મથકો પર વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક પણ યોજાઈ છે. કચ્છના તમામ બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાડાયું છે અને જરૂર પડ્યે કાચા મકાનોમાં રહેતા લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા પણ કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં NDRFની 12 ટીમો, જ્યારે 2 જિલ્લામાં 3 ટીમો રિઝર્વમાં રાખવાનો પણ નિર્ણય કરાયો છે. કચ્છ અને રાજકોટ જિલ્લામાં 2-2 ટીમો તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર, દેવભૂમિદ્વારકા અને ગીરસોમનાથમાં એક-એક ટીમો તૈનાત કરવામાં આવી છે. મોરબીમાં પણ એક ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. વડોદરામાં 1 અને રાજકોટમાં 2 ટીમ રિઝર્વ રખાઈ છે.
બિપરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે વાલ્મિકી વાસમાં દરિયાનું પાણી ઘૂસ્યું
વાવાઝોડું પોરબંદરથી 400, દ્વારકાથી 440, નલિયાથી 530 કિમી દૂર
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાની આફત જોવા મળી રહી છે. હાલ ‘બિપોરજોય’ વાવાઝોડું પોરબંદરથી 400 કિ.મી, દ્વારકાથી 440 કિ.મી. અને નલિયાથી 530 કિ.મી. દૂર છે. હાલ વાવાઝોડું પ્રતિકલાક 7 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે.
બિપોરજોય વાવાઝોડાની સંભિવત અસર સામે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
પાલનપુર ખાતે કલેક્ટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી, જેમાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીની પૂર્વ તૈયારી માટે તાલુકાના અધિકારીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુચના અપાઇ છે.
પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતુર, ચોપાટી અને કિનારે કલમ 144 લાગુ કરાઈ
પોરબંદરના દરીયો ગાંડોતુર બન્યો છે. સાંજે 5 વાગ્યા બાદ દરિયામાં કરંટ જોવા મળ્યો છે અને 20 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે કલમ 144 લાગુ પાડી દેવામાં આવી છે. જેના કારણે કાંઠે અને ચોપાટી જવા ઉપર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ૯ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત ‘બીપોરજોય’ વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ દ્વારા તમામ નવ બંદરો ઉપર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવાયા છે, અને બંને જિલ્લા ના ડિઝાસ્ટાર મેનેજમેન્ટ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગર જિલ્લાના નવાબંદરઝ બેડીબંદર, રોજીબંદર, સિક્કા બંદર(જેટી) અને જોડિયા બંદર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ઓખા અને દ્વારકા સહિત તમામ નવ બંદરો પર ૪ નંબરના ભય સૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.
જામનગરની શાળાઓમાં 3 દિવસ માટે રજા જાહેર
જામનગર જિલ્લામાં સંભવિત વાવાઝોડા ના પગલે શિક્ષણ વિભાગ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની જામનગર શહેરમાં આવેલી તમામ શાળાઓમાં આવતીકાલ તારીખ ૧૨.૬.૨૦૨૩ થી આગામી ૧૪.૬.૨૦૨૩ સુધી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરવામાં આવી છે.
જામનગર શહેરમાં તોફાની વંટોળીયાના કારણે બે દિવસ દરમિયાન ૨૩ ઝાડ જમીન દોસ્ત થયા
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ દરમિયાન વંટોળીયા પવનના કારણે ખાના ખરાબી થઈ છે, જેમાં જામનગર શહેરમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ૨૩ ઝાડ પડી ગયાના અહેવાલો મળ્યા છે, ઉપરાંત વરસાદી વીજળી પડવાના કારણે રાવલસર ગામમાં એક ભેંસનું મૃત્યુ નીપજ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.
નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે.
ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.