અમદાવાદ,તા.૨
ચોમાસાની ઋતુમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૨ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૪૮.૪૨ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૯ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૨ જળાશયો ૧૦૦ ટકા એટલે કે સંપૂર્ણ, ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૩ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૫૬.૬૦ ટકા ભરાયું છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે. રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૧૫,૩૨૭, ઉકાઇમાં ૮૪,૭૬૩, દમણગંગામાં ૬૨,૮૨૫, ઓઝત-વીઅરમાં ૯,૬૭૬, ઓઝત-વીઅર(વંથલી)માં ૮,૬૭૭, કરજણમાં ૭,૬૦૦, ધરોઈમાં ૩,૦૫૫, કડાણામાં ૨,૦૫૦, ઓઝત-૨માં ૧,૮૧૨, દેવમાં ૧,૬૦૦ અને વણાકબોરીમાં ૧,૫૦૦ ક્યુસેકનો સમાવેશ થાય છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૫.૫૧ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪.૦૬ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૨.૭૭ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૯.૧૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૧૫.૯૨ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૨૯.૩૫ ટકા એટલે ૧,૬૩,૩૮૯.૮ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.