વડોદરા- 2008માં ઉદેપુર-બાંદ્રા એક્સપ્રેસમાં જ્યારે રેલવે પોલીસને અંજલી પટેલ નામની બાળકી મળી આવી, ત્યારે તેની ઉંમર માત્ર 4 વર્ષ હતી. અંજલીએ પોલીસને જણાવ્યુ હતું કે તે વડોદરાની રહેવાસી છે અને ત્યારથી પોલીસ વડોદરામાં તેના માતા-પિતા અને પરિવારને શોધી રહી છે.પરંતુ પોલીસ માટે નવાઈ પમાડનારી વાત એ છે કે, અંજલી જે વિસ્તારમાં પોતે રહેતી હોવાનો દાવો કરે છે તે વિસ્તારમાં કોઈ તેને ઓળખતું નથી. DCP સરોજ કુમારી જણાવે છે કે, રેલવે પોલીસને જ્યારે અંજલી મળી આવી હતી ત્યારે તેણે કહ્યુ હતું કે તે અકોટામાં એકતાનગરમાં રહે છે. પોલીસ તેને વડોદરા લઈને આવી હતી પરંતુ અંજલી તેના ઘરનું ચોક્કસ સરનામું નહોતી જણાવી શકીઅંજલીને બાળગૃહમાં મોકલવામાં આવી હતી પરંતુ સુરત પોલીસ દ્વારા વડોદરા પોલીસને સતત અંજલીનું ઘર શોધવાની અપીલ કરવામાં આવી હતી. DCP કુમારી કહે છે કે, અમે આજવા રોજ પર આવેલા એકતાનગર તેમજ ફતેહગંજ વિસ્તારમાં પણ અમારી ટીમ મોકલી. અમે આસપાસના વિસ્તારોમાં લોકોને અંજલીનો બાળપણનો ફોટો પણ બતાવ્યો પરંતુ તેને કોઈ ઓળખવા તૈયાર નથી.અંજલીએ પોલીસને જણાવ્યું કે તેની માતાનું નામ હંસા છે અને બહેનનું નામ મેઘા છે. પરંતુ પોલીસને અકોટા, આજવા રોડ અને એકતાનગર કોલોનીમાં આ નામના લોકોનો કોઈ પતો નથી લાગ્યો. પોલીસે ગુમ થયેલા લોકોના રિપોર્ટ પણ તપાસ્યા પરંતુ અંજલીનો રેકોર્ડ કોઈની સાથે મેચ નથી થતો. અંજલી કહે છે કે તેના પેરેન્ટ્સ વડોદરા રેલવે સ્ટેશન પર ઉતરી ગયા હતા, પરંતુ વડોદરા અને સુરતની રેલવે પોલીસ પાસે બાળક ગુમ થયું હોવાની કોઈ ફરિયાદ કે ફોન નથી આવ્યો.પોલીસને શંકા છે કે બની શકે કે અંજલીના માતા-પિતા તેને તરછોડીને જતા રહ્યા હોય. DCPએ અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, અંજલી અત્યારે 14 વર્ષની છે અને હવે તે વડોદરા જઈને પોતાના માતા-પિતાને શોધવા માંગે છે. અમે ફરી એકવાર તેના માતા-પિતાને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અંજલીને વડોદરા લાવવામાં આવશે અને જે વિસ્તારમાં તેનું ઘર હોવાનો તે દાવો કરી રહી છે ત્યાં લઈ જવામાં આવશે.