મોરબીના રંગપર નજીક મટન અને ચીકનનું વેચાણ કરતી દુકાનમાં નોકરી કરતા સગીરની હત્યાની ઘટના સામે આવી છે. દુકાનમાં ચીકનની ખરીદી માટે આવેલા ગ્રાહકને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતાં ઉશ્કેરાયેલા ગ્રાહકે સગીરની હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
મોરબીના જેતપર રોડ પરના રંગપર પાસે મટન વેચતા સીદીક મોવર નામના સગીરની માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મોરબી એસપી ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં ઈન્ડીકા ઓનેસ્ટ સેનેટરી વેરમાં મજુરની ઓરડીમાં રહેતો વિજેન્દ્રસિંગ રાજપૂત તેના વતન મધ્યપ્રદેશ જતો રહ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જેથી શંકાના આધારે તેની મધ્યપ્રદેશથી અટકાયત કરાઇ હતી. તેની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે સગીરની હત્યાના ગુનાની કબુલાત કરી હતી. પોલીસ ને તેણે જણાવ્યું હતું કે , મૃતક સગીર મટન વેચતો હોય અને આરોપી તેની પાસે ચીકન લેવા ગયેલ ત્યારે મરધીઓ નહિ હોવાથી થોડીવાર બેસવાનું કહીને હમણાં આવે છે કહ્યા બાદ કલાક સુધી બેસાડી રાખતા બોલાચાલી થતા સગીરને પથ્થર મારી હત્યા કરી નાંખી હતી.