
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીને મોટો ઝટકો લાગ્યો છે. પીડીપીના મુખ્ય પ્રવક્તા સુહેલ બુખારીએ મંગળવારે પાર્ટી છોડી દીધી હતી. બુખારી દેખીતી રીતે ચૂંટણી લડવાનો આદેશ ન આપવાથી નારાજ હતા. તેઓ વગુરા-ક્રીરીથી ચૂંટણી લડે તેવી અપેક્ષા હતી, પરંતુ ગયા મહિને ભૂતપૂર્વ પ્રધાન બશારત બુખારીના પીડીપીમાં પાછા ફરતા સુહેલ બુખારીને ટિકિટ મળવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. પત્રકારમાંથી રાજકારણી બનેલા બુખારી પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીના નજીકના સહયોગી હતા અને જ્યારે મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી હતા ત્યારે બુખારીએ તેમના મીડિયા સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. પત્રકારો સાથે વાત કરતા બુખારીએ કહ્યું કે, ‘હું 2019માં પીડીપી-ભાજપ સરકારના પતન બાદ પાર્ટીમાં જોડાયો હતો. તે મુશ્કેલ સમય હતો અને છેલ્લા પાંચ વર્ષમાં મેં કાશ્મીરના લોકોની ઓળખ અને અધિકાર અપવવા માટે તેમજ પીડીપીના મૂળ વિચારને મજબૂત કરવા માટે ખરેખર સખત મહેનત કરી છે. જયારે પીડીપીને તોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે પાર્ટીના કાર્યકરો તૂટ્યા ન હતા. તમામ ઉતાર-ચઢાવમાં પાર્ટી સાથે ઉભા રહ્યા તેમજ યુવા અને શિક્ષિત લોકો પણ પાર્ટીમાં જોડાયા અને તેમાં યોગદાન આપ્યું.’