પ્લાન્ટમાં દર વર્ષે ૬૩૫ એમયુ ઊર્જા પેદા થશે તેમજ વર્ષે અંદાજે ૬૩૫ કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન
અમદાવાદ, તા.૨૯
ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ પાવર કંપની ટાટા પાવર દ્વારા હવે ગુજરાતમાં ૨૫૦ મેગાવોટની ક્ષમતા ધરાવતાં સોલાર પ્રોજેકટને વિકસાવવામાં આવશે. આ અંગે ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ મહત્વની જાહેરાત કરી હતી કે, કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટાટા પાવર રિન્યૂએબલ એનર્જી લિમિટેડ (ટીપીઆરઇએલ)ને ૨૫મી જુલાઈ, ૨૦૧૯નાં રોજ ગુજરાતનાં ધોલેરા સોલર પાર્કમાં ૨૫૦ મેગાવોટની ક્ષમતા ધરાવતાં સોલર પ્રોજેક્ટને વિકસાવવા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ) પાસેથી લેટર ઓફ એવોર્ડ (એલઓએ) મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ મે, ૨૦૧૯માં જીયુવીએનએલએ રાઘાનેસડા સોલર પાર્કમાં ૧૦૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં ઉપરોક્ત ક્ષમતા વધારો કરશે. આ ઊર્જા વાણિજ્યિક કામગીરી શરૂ કરવાની તારીખથી ૨૫ વર્ષનાં ગાળા માટે વીજ ખરીદી સમજૂતી (પીપીએ) અંતર્ગત જીયુવીએનએલને પૂરી પાડવામાં આવશે. કંપનીએ જાન્યુઆરી, ૨૦૧૯માં જીયુવીએનએલ દ્વારા જાહેર કરેલી બિડમાં આ ક્ષમતાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. પ્રોજેક્ટ પીપીએનાં અમલની તારીખથી ૧૫ મહિનાની અંદર કાર્યરત થશે. ટાટા પાવરનાં સીઇઓ અને એમડી શ્રી પ્રવીર સિંહાએ વધુમાં ઉમેર્યું કે, અમને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે, અમે ગુજરાતમાં ૨૫૦ મેગાવોટની ક્ષમતા ધરાવતો સોલાર પ્રોજેક્ટ આપ્યો છે. અમને આ તક પ્રદાન કરવા બદલ અમે જીયુવીએનએલનો અધિકારીઓ અને ગુજરાત સરકારનાં આભારી છીએ. અમને સોલર પાવર જનરેશન દ્વારા સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જા માટે આપણાં દેશની કટિબદ્ધતા પૂર્ણ કરવામાં પ્રદાન કરવાની ખુશી છે. દરમ્યાન ટાટા પાવરનાં રિન્યૂએબલ્સનાં પ્રેસિડન્ટ શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ સાથે અમે રિન્યૂએબલ ઊર્જા તેમજ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, એન્જિનીયરિંગ અને અમલીકરણ ક્ષમતાઓ માટે અમારી મજબૂત કટિબદ્ધતા પ્રતિબદ્ધતા દર્શાવવાનું જાળવી રાખીશું. ટાટા પાવરની કુલ વીજ ઉત્પાદન ક્ષમતામાં સ્વચ્છ ઊર્જાનો હિસ્સો ૩૫થી ૪૦ ટકા કરવાનાં અમારાં પ્રયાસોમાં આ મહ¥વપૂર્ણ સીમાચિહ્ન છે.
અમને અમારી અપેક્ષા મુજબ અમારી ક્ષમતાઓ ઊભી કરવાનું ચાલું રાખી શકીશું અને ઊંચા માપદંડો સ્થાપિત કરીશું એવી આશા છે. આ કોન્ટ્રાક્ટ મળવાની સાથે ટીપીઆરઇએલની અમલીકરણ હેઠળની ક્ષમતા ૬૫૦ મેગાવોટ થશે, જે ટાટા પાવરની કુલ કાર્યકારી ક્ષમતા ૨,૪૭૬ મેગાવોટ ઉપરાંત છે. પ્લાન્ટ દર વર્ષે ૬૩૫ એમયુ ઊર્જા પેદા કરશે અને વર્ષે અંદાજે ૬૩૫ કિલોગ્રામ કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન કરશે એવી અપેક્ષા છે.