અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે ટ્રમ્પે ફરી એક એવું નિવેદન આપ્યું છે, જેને કારણે આખા વિશ્વમાં ચર્ચા શરૂ થઈ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ પુરસ્કાર સમિતિ સામે જ સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે ફરિયાદ કરતા કહ્યું કે નોબેલ પુરસ્કાર આપનાર લોકોના અન્યાયપૂર્ણ વલણને કારણે મને શાંતિનો નોબેલ નથી મળ્યો.ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન બંને અમેરિકાની મુલાકાતે છે. ત્યારે સોમવારે ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન જ ટ્રમ્પે નિવેદન આપ્યું કે,’જો નોબેલ કમિટી યોગ્ય રીતે નોબેલ પ્રાઈઝ આપે, તો મને ઘણી વસ્તુઓ માટે પ્રાઈઝ મળી શકે, પરંતુ આવું નથી થઈ શક્યું.’ એટલું જ નહીં ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાને મળેલા નોબેલ પ્રાઈઝ પર પણ સવાલ ઉઠાવ્યા છે.
ટ્રમ્પે નિવેદન આપ્યું કે,’ઓબામાને 2009માં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતવાના 8 મહિના પછી જ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. જ્યારે તેઓ થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે ઓબામાને પોતાને પણ ખબર ન હતી કે તેમને શાંતિ પુરસ્કાર શા માટે મળ્યો છે. માત્ર આ એક જ વાત માટે હું ઓબામા સાથે સહમત છું.’ઈમરાન ખાન સાથેની બેઠક બાદ ટ્રમ્પે ફરી એકવાર નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે બેઠક અંગે શક્યતા વ્યક્ત કરી છે. ટ્રમ્પે કહ્યું કે, તેમની અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉનની ટૂંક સમયમાં જ ચોથી મુલાકાત થઈ શકે છે. ઉત્તર કોરિયાએ આ વખતે સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પોતાનો એક પણ પ્રતિનિધિ મોકલ્યો નથી. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના સંબંધો મામલે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે આ મુદ્દે વાત કરશે.ઉલ્લેખનીય છે કે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન ટ્રમ્પને પ્યોંગયોંગ આવવા આમંત્રણ આપી ચૂક્યા છે. જે બાદ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આવનારા થોડા સપ્તાહમાં વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે વર્કિંગ-લેવલની વાતચીત થઈ શકે છે.