સમગ્ર ગુજરાતમાં આજે ‘ઠગ્સ ઓફ ગુજરાત’ ચર્ચાસ્પદ બન્યા છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને 260 કરોડમાં નવડાવી દીધા છે. આ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી હતી. તેમણે એકના ડબલ કરવાની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હાલ નેપાળમાં છે અને તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ કૌભાંડ બાબતે 11 પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારોને પૈસા ખવડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્ર હાલ વાઇરલ થઇ ગયો છે.
પત્રકારો અને ઉચ્ચ અધિકારીઓને લાખો આપ્યા હોવાનો આરોપ
આ પત્રમાં કરોડોના તોડ કર્યાના આક્ષેપ સાથેની આરોપીની ચિઠ્ઠી સામે આવી છે. ઠગનો દાવો છે કે તેની પાસે કરોડો ચૂકવ્યાના ઓડિયો– વીડિયો રેકોર્ડિંગ છે. તેમજ ઉચ્ચ અધિકારીને પ્રોટેક્શન મની પેટે રૂ.50 લાખ ચૂકવ્યા હોવાના પુરાવા પણ છે. માત્ર એટલું જ નહીં, મીડિયામાં સમાચાર નહીં આપવા પત્રકારોને રૂ.21 લાખ ચૂકવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
એકના ડબલ કરવાની આપી હતી લાલચ
આ અંગે વિગતે વાત કરીએ તો વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી કંપનીએ એક વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. ઓનલાઈન જાહેરાત જોવાનું કહીને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અંદાજે એક લાખ લોકો પાસેથી ડિપોઝીટ મેળવી હતી અને લોકોના ખાતામાં પૈસા જમા ન થતા લોકો ઓફિસે દોડી ગયા હતા. જોકે ત્યાંથી તો વિનય શાહ ફરાર થઇ ગયો હતો. જ્યારે પાલડી ખાતેના નિવાસ સ્થાને પણ ખંભાતી તાળું જોવા મળ્યુ હતું. ત્યાર બાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
મીડિયા-પત્રકારો, પોલીસ અને વકીલોઓ ભેગા મળી તોડ કર્યો હોવાનો આરોપ
– ભીમદેવવાળાએ 25 લાખ પડાવ્યાનો આક્ષેપ
– ગૌરવ સેના અને ગુજરાત રાજ્ય સેવા સમિતિને 5 લાખ ચૂકવ્યાનો આક્ષેપ
– સેટલમેન્ટના નામે દર મહિને એક લાખનો હપતો શરૂ કર્યાનો ચિઠ્ઠીમાં દાવો
– ગૌરવ સેના 50 હજાર અને જીઆરઆરએસ 50 હજાર લેતા હોવાનો આક્ષેપ
– 1 લાખ લેખે 10 મહિનાના 10 લાખ ચૂકવ્યા હોવાનો દાવો
– સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નીલ રાજપૂતના માણસોને પણ પગાર ચૂકવ્યા હોવાનો આક્ષેપ
– 10 મહિનામાં પગાર પેટે 1.5 લાખ ચૂકવ્યા હોવાનો ચિઠ્ઠીમાં આક્ષેપ
– વન રે કંપનીના હરિઓમને 8 લાખ ચૂકવ્યા હોવાનો આક્ષેપ
– ડ્રીમ પેસેફિક કંપનીના મુકેશ કટારાએ 5 લાખ પડાવ્યાનો આક્ષેપ
– જે. કે. ભટ્ટને રૂપિયા 11 લાખ આપવા કહ્યું હોવાનો આક્ષેપ
– સ્વપ્નીલ રાજપૂતે પ્રોટેક્શન માટે જે.કે. ભટ્ટને રૂપિયા આપવા કહ્યું હોવાનો આરોપ
– વિનય શાહે જે.કે. ભટ્ટને વ્યક્તિગત મળી પૈસા આપ્યા હોવાનો પત્રમાં ઉલ્લેખ
– સ્વપ્નીલ રાજપૂતને ફરી 2 કરોડ આપ્યા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ
– સુરેન્દ્ર રાજપૂતના કહેવાથી મીનાક્ષી મેડમને 1.5 લાખ આપ્યાનો દાવો
– વકીલોને કુલ 5 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો દાવો
– ભીમદેવ વાળાએ સેટલમેન્ટના નામે વધુ 9.6 લાખ પડાવ્યાનો આક્ષેપ
– વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3.5 લાખ આપ્યા હોવાનો દાવો
– રાઇટર્સને 2.25 લાખ આપ્યા હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ
– જનકસિંહ પરમારને 5 લાખ આપ્યા હોવાનો આક્ષેપ
આ રીતે આચરી છેતરપિંડી
ફરિયાદીના કહેવા પ્રમાણે આરોપીએ વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યૂશન નામની કંપની ખોલી હતી અને જેના નીચે www.archercare.net અને www.archercare.org નામની બે પેટા કંપની ખોલી હતી.આ કંપનીમાં લોકોને મેમ્બર બનાવવામાં આવતા હતાં અને તેમના અલગ-અલગ આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હતા. આ આઈડી ખોલી તેમને માત્ર જાહેરાત જોવાનું કામ હતું અને જે મેમ્બર જાહેરાત જુએ તેમની વેબસાઇટમાં રુપિયા જમા થતા હતા અને ત્યાર બાદ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તેની સાથે સાથે ત્રણ સ્કીમો પણ આપવામાં આવી હતી. આ આઈડી મેળવવા માટે 4500, 9500 અને 25000ની સ્કીમ લેવી ફરજીયાત હતી.જે મેમ્બર 4500ની સ્કીમ લે તેમને 10 મહિનામાં રકમ ડબલ અને 400 વાર તેમની જાહેરાત પણ વેબસાઈટ પર ચલાવવાની લાલચ આપવામાં આવી હતી. 9500ની સ્કીમ રાખે તો 12 મહિનામાં રકમ ડબલથી વધારે અને 900 વાર તેમની જાહેરત ચાલે અને 25000ની સ્કીમ લેવા પર 14 મહિનામાં 72 હજાર અને 2500 વાર જાહેરાત ચલાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે મેમ્બરને જાહેરાત જોવાના,ચલાવવા અને કમિશનની સાથે રકમ
ડબલ કરવાની સ્કીમ આપવાની વાત કરવામાં આવી હતી.