અમદાવાદ:
દેશભરમાં મંગળવારે સાંજે હવામાનમાં અચાનક પલટો આવી ગયો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હિમાચલપ્રદેશ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, આંધી અને વીજળી પડવાના કારણે ૩૫ લોકોનાં મોત થયાં છે. બીજી તરફ ૪૦થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સૌથી વધુ માઠી અસર ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર પડી છે. વરસાદથી આ રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીથી પણ ઓછું થઈ ગયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, બુધવારે અને ગુરુવારે પણ હવામાન આવું જ રહેવાનું અનુમાન છે.
આંધી અને તોફાનના કારણે અનેક શહેરોમાં તબાહી મચી ગઈ છે. ઘણા સ્થળોએ કરા પણ પડ્યા છે અને તેના કારણે પાક તબાહ થઈ ગયાે છે. ગઈકાલે અડધા ભારત પર ‘ડસ્ટ એટેક’ જોવા મળ્યો હતો. આજે પણ હવામાન વિભાગે આ પ્રકારના જ ખતરાનું એલર્ટ જારી કર્યું છે.
ભારતીય હવામાન વિભાગના ડાયરેક્ટર કે.જે. રમેશે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ચાલી રહેલા હિટવેવના કારણે દેશના પશ્ચિમ-ઉત્તર ભાગ, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ તથા પશ્ચિમ બંગાળ સુધી તેજ આંધી, વીજળીના કડાકા સાથે વરસાદ અને કેટલાંક સ્થળોએ કરા પણ પડ્યા છે. આ સ્થિતિ બુધવાર સાંજ સુધી રહે તેવું અનુમાન છે. ગુરુવારથી ફરી ગરમીમાં વધારો જોવા મળશે. આ વર્ષે મધ્ય ભારતથી વિદર્ભ સુધી વારંવાર હિટવેવ અનુભવાશે. દર છઠ્ઠા દિવસે આંધી સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની પણ સંભાવના છે.
ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધુ ૧૧-૧૧ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં ૧૦ અને રાજસ્થાનમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતના ૩૩માંથી ૧૮ જિલ્લામાં વરસાદ થયો છે. પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં અચાનક હવામાન બદલાઈ ગયું હતું અને વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બુધવારે પણ દેશના કેટલાંક રાજ્યમાં આંધી અને વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પવનની ઝડપ ૫૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. મધ્યપ્રદેશના નીમચ, મંદસૌર, રાજગઢ, શાજાપુર, સીહોર, ભોપાલ, ગુના, વિદિશા, બિંડ, દતિયા અને અશોકનગરમાં તેજ આંધી અને તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશમાં પણ આજે હવામાનમાં પલટો આવી શકે છે. બુધવારે બપોર બાદ યુપીની રાજધાની લખનૌ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ તથા આંધી-તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર જે.પી. ગુપ્તાએ જણાવ્યું કે, આ વખતે હવાની દિશા દક્ષિણ-પૂર્વી છે. તેના કારણે વાદળો વરસે તેવી શક્યતા છે. સાંજ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ અને ૬૦થી ૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવું પણ અનુમાન છે. આવતી કાલે ગુરુવારથી હવામાન થોડું શાંત થશે અને લોકોને રાહત મળશે.