સિવિલમાં બંનેને મૃત જાહેર કરાયા હતા : પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ : કસૂરવારોની સામે કાર્યવાહી કરવા માંગણી
અમદાવાદ, તા.૧૯
શહેરનાં નાના ચિલોડા રોડ પર ઢાંકણીપુરા ગામે નવી વોટર વર્ક્સની ખુલ્લી જગ્યામાં રમતા બે બાળકોને આજે વીજ થાંભલાનો કરંટ લાગતા તેઓના કરૂણ મોત નીપજયા હતા. નાના બાળકો ત્યાં રમી રહ્યા હતા ત્યારે બે બાળકો રમતા રમતા વીજ થાંભલા પાસે ગયા હતા અને જેવા અડ્યા તેવો જ તેને જારદાર વીજકરંટ લાગતાં તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંને બાળકોના પરિવારમાં તો જાણે શોકનો માતમ પથરાઇ ગયો હતો. બીજીબાજુ, નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ મૃતક બાળકોના વાલીઓ અને પરિવારજનોમાં ઉગ્ર આક્રોશ ઉઠયો હતો અને તેઓએ કસૂરવારો સામે તાત્કાલિક આકરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નાના ચિલોડા પાસે ઢાંકણીપુરા ગામમાં રબારીવાસમાં અંકિત જોગેન્દ્ર શર્મા (ઉ.વ.૬) અને વિજય ગોપાલભાઈ ઠાકોર (ઉ.વ.૮) રહેતા હતા. બંને બાળકો નવી બનેલા વોટર વર્કસની ખુલ્લી જગ્યામાં રમતા હતા. રમતા રમતા બાળકો ત્યાં આવેલા એક ઇલેક્ટ્રિક થાંભલાને અડ્યા હતા. જેના કારણે બંનેને જારદાર શોટ લાગ્યો હતો. બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરંતુ બંને બાળકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક બંને બાળકો ત્રિપાઠી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. છેલ્લા એક વર્ષથી વીજપોલનું મેઈન્ટેઈન થયું નહી હોવાની અને બનાવ વખતે પણ તેના વાયરો ખુલ્લા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તેથી તંત્રની બેદરકારીના કારણે જ નિર્દોષ બાળકોનો ભોગ લેવાઇ ગયો તેવો આક્રોશ સ્થાનિકોમાં ઉઠવા પામ્યો હતો. આ સમગ્ર મામલે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ બીજીબાજુ, બંને બાળકોના પરિવારજનો અને સ્વજનોએ આ માનવસર્જિત દુર્ઘટના હોવાથી તેમના ઘરના ચિરાગ બુઝાઇ ગયા છે અને તેથી આ સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવાર હોય તે તમામની વિરૂધ્ધમાં તાત્કાલિક આકરી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.