ધોધમાર વરસાદ જારી રહેતા તંત્ર દ્વારા સાવચેતીના પગલા
અમદાવાદ,તા. ૧૦
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. જેના કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાથે સાથે જનજીવન પર પણ અસર થઇ છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે લોકોની હાલત કફોડી કરી નાંખી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. બરવાળા તાલુકામાં સૌથી વધારે ૧૫ ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ગયો છે. મહુધા અને ધંધુકામાં ૧૩ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. કડીમાં ૧૨ ઇંચ કરતા વધારે વરસાદ થતા ચારેબાજુ જળબંબાકારની Âસ્થતી સર્જાઇ ગઇ છે. કુલ બે તાલુકામાં નવ ઇંચ કરતા વધારે વરસાદ થયો છે. વરસાદની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હજુ ભારે વરસાદ પડવાની ચેતવણી અકબંધ રાખવામાં આવી છે. નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ નદીના કાંઠા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ અનેક ગામોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વડોદરા, તાપી અને સુરત અને ભરૂચ જિલ્લાના ગામોમાં હજુ વરસાદ પડે તો ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. જ્યારે આજે છોટાઉદેપુરમાં છ ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેને પગલે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી છ લાખ કયુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમમાં ૬૨ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. ડેમમાં લાખો કયુસેક પાણીની આવક થતાં ડેમમાંથી ચાર હાઇડ્રો યુનિટ ખોલી દેવાયા હતા. સાથે સાથે ઉકાઈ ડેમના ૧૧ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં પાણીની આવક થઇ છે. ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં ભરપુર પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નર્મદા ડેમમાંથી એક તબક્કે ૮ લાખ ક્યૂસેક સુધી પાણી છોડવામાં આવ્યું હતું .