સીબીઆઇ દરોડા દરમિયાન એટલી જંગી માત્રામાં નોટ મળી છે કે આખરે નોટ ગણવાના મશીન મંગાવવા પડ્યા
બુલન્દશહેર,તા. ૧૦
ઉત્તરપ્રદેશના બુલન્દશહેરમાં ડીએમ આઇએએસ અભય સિંહના આવાસ પર સીબીઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ હવે ખભળળાટ મચી ગયો છે. કારણ કે તેમના આવાસ પર એટલી માત્રામાં નોટ મળી આવી છે કે તેને ગણવા માટે મશીન મંગાવવાની ફરજ પડી છે. એમ માનવામાં આવે છે કે આ દરોડા તેમના પર મુકવામાં આવેલા ખાણ કોંભાડના લઇને આક્ષેપ બાદ પાડવામાં આવ્યા હતા. અગાઉની સરકારમાં અભય સિંહ ફતેહપુરના ડીએમ હતા. આ ગાળા દરમિયાન તેમના પર ગેરકાયદે રીતે ખાણ પ્રવૃતિ હાથ ધરવાના આરોપો મુકવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સુત્રોની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દરોડાની કાર્યવાહી દરમિયાન તેમના આવાસ પર ખુબ જંગી પ્રમાણમાં નોટ પડી આવી હતી. તમામ નોટને ગણવા માટે સીબીઆઇની ટીમે મશીનો મંગાવી લીધી હતી. સીબીઆઇની ટીમ આજે સવારે ડીએમના આવાસ પર પહોંચી ગઇ હતી. અહીં જવા પર તમામ લોકોના પ્રવેશ પર હવે પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ટીમે આશરે બે કલાક સુધી આઇએએસ અભય સિંહની સાથે તેમના આવાસ પર બંધ બારણે પુછપરછ કરી હતી. આ ગાળા દરમિયાન તેમના આવાસ પર ઉંડી તપાસનો દોર જારી રહ્યો હતો. સુત્રોએ કહ્યુ છે કે તપાસ કામગીરી દરમિયાન આઇએએસના આવાસ પર સીબીઆઈની ટીમને જંગી નોટ મળી આવી હતી. નોટના બંડળો મળી આવ્યા હતા. મોડેથી આ નોટની ગણતરી માટે મશીનો મંગાવવામાં આવ્યા હતા. આઇએએસના આવાસ પર જંગી નાણાં મળવાના હેવાલ સપાટી પર આવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો. તમામ લોકો સારી રીતે જાણે છે કે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે અભય સિંહ ફતેહપુરના ડીએમ તરીકે હતા. એ વખતે તમામ નિયમોને બાજુએ મુકીને મોટા પાટે ખાણ પટ્ટા પાડી દીધા હતા.