દિનેશ બાંભણિયા બાદ હવે વરુણ પટેલે પણ હાર્દિક પટેલ સામે માનહાનિનો દાવો કરવાની ચિમકી આપી છે. વરુણ પટેલ અને રેશમા પટેલે આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ પાટીદાર સમાજને ગુમરાહ કરી રહ્યો છે. વરુણે હાર્દિક તેમજ કોંગ્રેસ પર સીધા આરોપ લગાવ્યા હતા, તેમજ તેને કોંગ્રેસનો એજન્ટ પણ ગણાવ્યો હતો. હાર્દિકના જે વીડિયો અત્યાર સુધી સામે આવ્યા છે તેની તપાસ કરવા પણ વરુણ પટેલે પડકાર ફેંક્યો હતો.હાર્દિક પટેલ માટે એક સમયે આમરણાંત અનશન પર ઉતરેલાં રેશમા પટેલે હાર્દિક વિરુદ્ધ જ બોલતા જણાવ્યું હતું કે તેના વ્યક્તિ વિશેષ કામમાં સાથ ન આપનારા લોકો પર ગમે તેવા આક્ષેપ કરનારો હાર્દિક પહેલા એ વાતનો જવાબ આપે કે તેની પાસેથી તેની બહેનના લગ્ન માટે 20 કરોડ રુપિયા ક્યાંથી આવ્યા? બીજી તરફ, વરુણે પણ જણાવ્યું હતું કે, સીડી તેમજ તેના પર મૂકાયેલા આરોપ અંગે હાર્દિક અને કોંગ્રેસ પાંચ દિવસમાં ખુલાસો નહીં કરે તો તે પોતાની સામે આક્ષેપ કરનારા તમામ લોકો સામે બદનક્ષીનો દાવો કરશે.દિનેશ બાંભણિયાએ ભાજપ પાસેથી 8 કરોડ રુપિયા લીધા હોવાનો આક્ષેપ કરનારા હાર્દિક સામે બાંભણિયાએ કાયદાકીય કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે. એક સમયે પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા અને હાર્દિકના રાઈટ હેન્ડ મનાતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું છે કે, હાર્દિકે તેના પર લગાવેલા આક્ષેપો પાયાવિહોણા છે, અને પોતાના પર ખોટા આરોપ મૂકવા બદલ તે હાર્દિક સામે કાયદાકીય કાર્યવાહી કરશે.દિનેશ બાંભણિયા અડાલજ પોલીસ સ્ટેશનમાં હાર્દિક સામે ફરિયાદ લખાવ્યા બાદ બદનક્ષીનો કેસ પણ કરવા જઈ રહ્યા છે. મહત્વનું છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે બાંભણિયા અને હાર્દિક પટેલ હંમેશા એકબીજાની સાથે રહેતા હતા, જોકે વિધાનસભા ચૂંટણી પહેલા જ બાંભણિયાએ હાર્દિક સાથે છેડો ફાડ્યો હતો, અને હાર્દિક પોતાના અંગત સ્વાર્થ માટે આંદોલન ચલાવતો હોવાનો આક્ષેપ તેના પર મૂક્યો હતો.પાટીદાર સમાજના આંદોલનમાં ભાગલા પાડવા અને આંદોલનને પતાવી દેવા માટે ભાજપ દ્વારા આંદોલનકારીઓને કરોડો રુપિયાની લાલચ અપાઈ હોવાના આક્ષેપ કરતો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો હતો. આ વીડિયો અંગે પ્રતિક્રિયા આપતા હાર્દિકે કહ્યું હતું કે, ભાજપ દ્વારા કરોડો રુપિયા આપી આંદોલનકારીઓને ખરીદી લેવાયા, પરંતુ જેમને રુપિયા ન મળ્યા તેમણે આ વીડિયો લીક કર્યો છે.આ વીડિયો સાથે હાર્દિકનો એક મેસેજ પણ ફરતો થયો હતો, જેમાં જણાવાયું હતું કે, જે લોકો હાર્દિક સામે આક્ષેપો કરતા હતા તે પોતે જ આજે ખૂલ્લા પડી ગયા છે. આ મેસેજમાં પાટીદાર આંદોલનકારીઓને ખરીદવા ભાજપ તરફથી જે ઉદ્યોગપતિઓને જવાબદારી અપાઈ હતી તેમના નામનો પણ ઉલ્લેખ કરાયો છેવીડિયોમાં રેશ્મા પટેલ, વરુણ પટેલ, ચિરાગ પટેલ, કેતન, દિનેશ તેમજ ભાજપના જ પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને કેટલા કરોડ ચૂકવવામાં આવ્યા તે અંગેના દાવા કરાયા છે. વીડિયો વાયરલ થયા બાદ હાર્દિકે એવા દાવા પણ કર્યા હતા કે, આંદોલન છોડી જનારા હવે પરત આવવા હવાતિયાં મારી રહ્યા છે, પરંતુ મેં જેની સાથે દુશ્મની કરી તેની સાથે દુશ્મનીનો જ સંબંધ રાખ્યો છે.