દિલ્હી-એનસીઆરમાં શનિવાર સાંજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ અંધકાર છવાઈ ગયો હતો. રેતીના તોફાન અને ભારે પવન સાથે હળવો વરસાદ પણ પડ્યો હતો. હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે ઘરની બહાર નીકળેલા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.દિલ્હી-એનસીઆરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. જોકે હવામાનમાં પલટાને કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડ્યો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આઈએમડીએ હવામાન અંગે એક ચેતવણી પણ જાહેર કરી છે. આઈએમડીએ એક એડવાઇઝરીમાં કહ્યું છે કે, ‘દિલ્હી-એનસીઆરમાં આગામી કલાકોમાં ધૂળ-આંધી અને ગાજવીજ સાથે વરસાદના આસાર છે. પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.આ પહેલાં સવારે હવામાન વિભાગે દિલ્હીવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળવાના આસાર આપ્યા હતા. અહીંનું લઘુતમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે સામાન્ય તાપમાનથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યારે ભેજનો સ્તર 71 ટકા નોંધાયો હતો. શુક્રવારે મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાનને કારણે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. ભારે પવનને કારણે ઘણી જગ્યાએ વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયાં હતાં. આંધી-તોફાનને કારણે સાંજે જ સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો. આંધી અને ભારે પવનને લીધે મેટ્રો અને વિમાન સેવા પર પણ અસર પડી છે. દિલ્હીમાં 18 વિમાનોના રૂટ ડાઇવર્ટ કરવા પડ્યાં છે.હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ માટે ચેતવણી આપી છે, જે મુજબ દેશના ઘણા વિસ્તારોમાં આંધી-તોફાન અને ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, કોંકણ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈને બંગાળ સુધી આંધી-તોફાન અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સાથે દરિયાઈ વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે