અમદાવાદ, તા.૨
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આજે તેઓ હાજર રહ્યા હતા. પત્ની અંજલીબેન સાથે વિજય રૂપાણીએ શ્રાવણ માસ નિમિતે ભોળાનાથની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં આજીડેમ પાસે વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે વડોદરામાં આવેલા કુદરતી આપદા અંગે તેમણે રાહતભરી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, વડોદરામાં દીવાલ ધરાશાયી થઇ તેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. તે તમામ મૃતકોના પરિવારજનોને રૂ.૪-૪ લાખની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. રાજકોટની મુલાકાત દરમ્યાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તે તમામને ૩ દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દીવાલ ધરાશાયીમાં જે ૪ વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમને રૂ.૪-૪ લાખની સહાય આપવામાં આવશે. જે લોકોની ઘર વખરી તણાઇ ગઇ છે તેમને પણ નિયત ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે. રાજકોટમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન સીએમ વિજય રૂપાણીએ વડોદરાની સ્થિતિ અંગે ટેલિફોનિક વાતચીત કરી હતી અને વડોદરાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ સાથે જ તમામને મદદ આપવા માટે કેન્દ્ર સરકારે બાંહેધરી આપી છે. દરમ્યાન વન મંત્રી ગણપત વસાવા રાજકોટમાં છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે, દીકરીઓની સંખ્યા ઘટે તે ચિંતાનો વિષય છે. જેથી વ્હાલી દીકરી યોજનાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે સરકારની બહુ મહ્ત્વકાંક્ષી અને ગરીબ દિકરીઓ માટે બહુ લાભકારી યોજના છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં દિવ્યાંગ બાળકોની વચ્ચે પોતાનો ૬૪મો જન્મદિન મનાવીને સામાજિક ઉત્તરદાયિત્વ, સંવેદના અને સામાજિક સેવાના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે સામાજિક સેવા માટે એક વિશેષ અભિયાન ઉપાડ્યું છે. દિવ્યાંગોના માત્ર સાધનો માટે જ રૂપિયા ૫૦ કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય, તે માટે સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજય સરકાર દ્વારા પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહયું હતું કે, જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી.
રાજકોટમાં જન્મદિવસે રૂપાણીએ શ્રાવણમાસની નિમિતે ભોળાનાથની પૂજા કરી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી .