મદુરાઈમાં 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સનો શિલાન્યાસ પીએમ મોદીએ કર્યો
એજન્સી, મદુરાઈ:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મુદરાઈમાં એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ)નો શિલાન્યાસ કર્યો. વડાપ્રધાને આ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત વડાપ્રધાની મુલાકાતનો વિરોધ કરી રહેલા વિપક્ષ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગ્રામીણ સ્વચ્છતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હોવાની વાત પણ પીએમ મોદીએ કરી હતી. તમિલનાડુ બાદ વડાપ્રધાન કેરળના કોચ્ચીની મુલાકાત પણ કરશે.
‘દેશ સાથે વિશ્વાસઘાત કરનાર, લૂંટનારાઓને નહીં છોડીએ’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદુરાઈની મુલાકાત દરમિયાન કોંગ્રેસ પર આડકતરી રીતે નિશાન સાધતા જણાવ્યું કે, ‘દેશને ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રિજાવાદથી મુક્તિ અપવવા માટે પ્રભાવી પગલાં લેવામાં આવી રહ્યા છે. દેશ સાથે વિશ્વાસઘાત કરનાર અથવા દેશને લૂંટનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. 50 વર્ષોમાં જે કામો શરૂ ના થઈ શક્યા તે અમારી સરકારે શરૂ કર્યા.’
‘કેટલાક લોકો અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે’
પીએમની મુલાકાતનો વિરોધ કરનારા લોકો પર પ્રહાર કરતા મોદીએ જણાવ્યું કે, ‘આ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે તમિલનાડુમાં શંકા અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. હું તમને તમામને અપીલ કરું છું કે આવી નકારાત્મક વાતોથી સાવચેત રહો. એવો કોઈપણ રાજકીય વિચાર જે ગરીબોનો વિરોધ કરતો હોય તે ક્યારેય કોઈને લાભ ના પહોંચાડી શકે.’
પીએમ મોદીએ મુલાકાતમાં વેલ્લાર સમાજને ટાંકીને જણાવ્યું કે, ‘હું તમારી સાથે એક મુદ્દા પર વાત કરવા માંગુ છું. આ વાત દેવેન્દ્ર કુલા વેલ્લાર સમાજ સાથે જોડાયેલી છે અને અમે આ સમાજ માટે ન્યાય સુનિશ્ચિત કરવાની સાથે તેમના માટે તકો ઊભી કરી છે. હું વિશ્વાસ અપાવું છું કે સમાજ સાથે ન્યાય થશે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મદુરાઈમાં 200 એકરમાં રૂ. 1500 કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમાં તેમણે જણાવ્યું કે એનડીએ સરકાર સ્વાસ્થ્ય સેવાને પ્રાથમિકતા આપી રહી છે. અમારો ઉદ્દેશ દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને સ્વાસ્થ્ય સેવા જનતા સુધી પહોંચે તે છે.