મધ્યપ્રદેશમાં ૨૮ ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં પ્રસ્તાવિત બિલને રજૂ કરવામાં આવશે
ભોપાલ
મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ પ્રસ્તાવિત બિલના ડ્રાફ્ટને લઇ રાજ્ય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. શનિવારે સવારે સીએમ શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ધર્મ સ્વાતંત્ર્ય બિલ, ૨૦૨૦ના ડ્રાફ્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ માહિતી આપી. હવે તે ૨૮ ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
ગૃહમંત્રીએ કહ્યું કે કાયદામાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનના કેસમાં ૧ થી ૫ વર્ષ સુધીની કેદની સજા અને ઓછામાં ઓછા ૨૫ હજાર રૂપિયાના દંડની જાેગવાઈ કરવામાં આવી છે. મહિલા, સગીર અને એસસી-એસટીના ધર્મ પરિવર્તનના કેસમાં ગુનેગારોને ૨ થી ૧૦ વર્ષ સુધીની જેલની સજા ઉપરાંત ૫૦ હજાર રૂપિયાનો દંડ દોષિતોને ભરવો પડશે.
કાયદાની અંતર્ગત પોતાની મરજીથી ધર્મ પરિવર્તન માટે સંબંધિત જિલ્લાના કલેક્ટરને એક મહિના અગાઉથી અરજી કરવાની રહેશે. ધર્માંતરણ કરીને લગ્ન કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપવું ફરજિયાત રહેશે. જાે આવેદન વગર ધર્માંતરણ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો મદદ કરે છે તેમને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ સજા કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો ૨૪ નવેમ્બરના રોજ વટહુકમ દ્વારા લાગુ કર્યો છે. જે કિસ્સામાં બિનજામીનપાત્ર ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે અને ૧૦ વર્ષની સખત સજાની જાેગવાઈ છે. ઉત્તરપ્રદેશ પછી શિવરાજસિંહ ચૌહાણની સરકારે મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવા માટેના પ્રયત્નો ઝડપી બનાવ્યા હતા.