અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯થી ૧૨ની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સમાં OMR પદ્ધતિ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
OMRના સ્થાને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સાયન્સમાં ૨૦ ટકા પ્રશ્નો હેતુલક્ષી પૂછવાનું નક્કી કરાયું છે. ઉપરાંત ધોરણ ૧૦માં બોર્ડની પરીક્ષાનો ગુણભાર ૭૦ ટકાના બદલે ૮૦ ટકા કરાયો છે. જ્યારે આંતરીક મૂલ્યાંકન ૨૦ ટકા રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. જોકે, બોર્ડ દ્વારા કરવામાં આવેલા આ ફેરફારનો અમલ ચાલુ વર્ષે નહીં થાય. ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સાયન્સમાં માર્ચ-૨૦૧૯માં લેવાનારી પરીક્ષા માટે હાલના નિયમો જ લાગુ પડશે. જ્યારે માર્ચ-૨૦૨૦ની પરીક્ષાથી આ નવા ફેરફાર અમલમાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
આ નિર્ણયનો લાભ અંદાજે 15 લાખ જેટલા વિદ્યાર્થીઓને થશે. જો કે OMR પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ માટે સ્કોરિંગ કરવું સરળ બની ગયું હતું જ્યારે હવે ફરી પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવતા ટ્યુશનિયા શિક્ષકોને પણ પોતે આ પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓને તૈયારી કરાવવી પડશે. નવા ફેરફારનો અમલ 2020માં લેવાનાર પરીક્ષાથી થશે.