અમદાવાદ: માર્ચ ર૦૧૮માં લેવાયેલી ધોરણ ૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. ૩૧મી મેના રોજ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. ઉપરાંત એપ્રિલ ર૦૧૮માં સેમેસ્ટર સિસ્ટમની પરીક્ષા લેવાતી તેનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગ દ્વારા ર૦૧૧ના વર્ષથી ધો.૧ર સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહની સેમેસ્ટર સિસ્ટમ અમલમાં મુકાઇ હતી ત્યાર બાદ શિક્ષણ વિભાગે ર૦૧૬-૧૭ના શૈક્ષણિક સેમેસ્ટર સિસ્ટમને રદ કરી હતી
તેવા સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો હતો કે બોર્ડ દ્વારા સેમેસ્ટર પદ્ધતિમાં નાપાસ થયા હોય અને પરીક્ષા આપવાની પાત્રતા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ સેમેસ્ટર પરીક્ષાનું આયોજન કરાયું હતું. આ પરીક્ષા જિલ્લાના અલગ અલગ મથકો પર લેવાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેમેસ્ટર સિસ્ટમ રદ કર્યા બાદ ત્રણથી ચાર લાખ જેટલા વિદ્યાર્થી નાપાસ થયા હતા તેમજ ગેરહાજર રહ્યા હોય અથવા કોપી કેસ કે અન્ય પ્રકારના ગેરરીતિના કિસ્સામાં પકડાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓનું પરિણામ ૩૧ મેના રોજ શિક્ષણ વિભાગની વેબસાઇટ પર જોવા મળશે. વિદ્યાર્થીઓને પરિણામ જોવા માટે www.gseb.org પર સવારે ૮ વાગ્યાથી જોવા મળશે.