નૅશનલ કૉન્ફરન્સના નેતાઓએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને એનસી અધ્યક્ષ ફારુક અબદુલ્લા સાથે મુલાકાત કરી. એનસી નેતાઓના ૧૫ સભ્યોના પ્રતિનિધિ મંડળે ફારુક સાથે શ્રીનગર ખાતેના તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. શિષ્ટ મંડળે ફારુક અબદુલ્લાના પુત્ર ઉમર અબદુલ્લા સાથે પણ મુલાકાત કરી. આ અવસરે ફારુક અબદુલ્લા સાથે નેતાઓ તેમના ઘરની છત પર જોવા મળ્યા. તેમની સાથે પત્ની મૌલી અબદુલ્લા પણ જોવા મળ્યાં.
જમ્મુ અને કાશ્મીરમાંથી જ્યારથી કલમ ૩૭૦ હટાવવામાં આવી છે ત્યારબાદથી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પિતા અને પુત્ર નજરકેદ છે. ૮૧ વર્ષના ફારુક અબદુલ્લા શ્રીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને નજરકેદ છે. જ્યારે ઉમર અબદુલ્લાને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા છે.
પાર્ટી પ્રવક્તા મદન મંટુએ કહ્યું હતું કે શિષ્ટમંડળમાં પાર્ટીના અનેક ભૂતપૂર્વ ધારાસભ્ય છે. તેમણે વધુમાં કહ્યું કે શિષ્ટમંડળ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળ્યું હતું અને તેમની પાસે પાર્ટીના આ બન્ને વરિષ્ઠ નેતાઓને મળવાની મંજૂરી માગી હતી. રાજ્યપાલે મંજૂરી આપી.