ગાંધીનગર, કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા વાહન વ્યવહારનાં નવા નિયમોમાં ફેરફાર કરીને રાજ્ય સરકારે તેનો અમલ કરવાની જાહેરાત કરી છે. પરંતુ કેન્દ્રીય પ્રધાન નિતીન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નવા નિયમોમાં કોઈ પણ રાજ્ય સરકાર ફેરફાર નહિ કરી શકે. આ મામલે આરટીઓ તેમ જ વાહનવ્યવહાર વિભાગનાં અધિકારીએ બેઠકમાં ધ્યાન દોર્યું હોવા છતાં ગુજરાત સરકારે ઉપરવટ જઈને નિયમોમાં ફેરફાર કરીને માંડવાળની નીતિ સાથે તોડપાણી કરવા માટે પોલીસને છૂટો દોર આપી દીધો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વાહન વ્યવહાર અધિનિયમ જે કેન્દ્ર સરકારે પહેલી સપ્ટેમ્બરથી લાગુ કરેલા તેમાં રાજ્યની પ્રજાને આંશિક રાહત આપવાનાં નામે છૂટછાટો જાહેર કરીને 16મી સપ્ટેમ્બરથી લાગુ કરવાની મોટે ઉપાડે જાહેરાત કરી દીધી. પરંતુ કેન્દ્રીય વાહનવ્યવહાર પ્રધાન નિતીન ગડકરીની વાતને ધ્યાને ન લેતાં આગામી દિવસોમાં આ મામલે ભારે હોબાળો મચી જાય એવી શક્યતાઓ છે.
બેઠકમાં જાણ કરાઈ હતી
એક ટ્રાન્સપોર્ટ અધિકારીએ નામ ન લખવાની શરતે કહ્યું કે, રાજ્ય સરકારની 6ઠ્ઠી સપ્ટેમ્બરે મળેલી બેઠકમાં આ મામલે મુખ્યપ્રધાન તેમ જ અન્ય લોકોનું ધ્યાન દોર્યું હતું, પરંતુ રાજ્ય સરકારે તેને નજર અંદાજ કરી હતી. ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નિયમો જેમ ના તેમ લાગુ કરી દેવાયા છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકારે આ મામલે નવા નિયમો નહિ બદલવાની વાતને ઉપરવટ જઈને પોતાની રીતે નવા નિયમો અને દંડની જોગવાઈમાં ફેરફાર કર્યા છે.
રાજ્ય સરકારે તોડપાણીનો રસ્તો કાઢ્યો
રાજ્ય સરકારે જે નવી દંડની જોગવાઈઓ જાહેર કરી છે તેમાં સ્પષ્ટપણે મુખ્યપ્રધાને એવું કહ્યું હતું કે, જે દંડની રકમ રાખવામાં આવી છે તે સમાધાન શુલ્ક તરીકે લેવામાં આવશે. સરકારને દંડની રકમમાં કોઈ પ્રકારનો રસ નથી. આ મામલે સૂત્રોનું માનીએ તો જે પ્રકારે સમાધાન શુલ્કનાં નામે દંડ વસૂલવાની વાત છે તેને જોતાં સ્પષ્ટ દેખાય છે કે, પોલીસ અને આરટીઓ આ રકમમાંથી તોડપાણી કરી લેશે. કેમ કે, વર્ષોથી પોલીસ દ્વારા દંડની જે રકમ વસૂલાય છે તેમાં મોટાભાગે પાવતી ફાડ્યા વગરનાં વ્યવહારો વધારે થયાં છે. તેમ છતાં રાજ્ય સરકારે નવા નિયમો લાગુ કરીને ટ્રાફિક પોલીસ અને આરટીઓને પાવતી વગરના વ્યવહારો કરવાની છૂટ આપી દીધી છે.