નૂહ રમખાણો મામલે દુષ્યંત ચૌટાલાએ વધારી સરકારની મુશ્કેલી, કહ્યું – વહીવટી અધિકારીઓ સ્થિતિનું અનુમાન લગાવવામાં નિષ્ફળ રહ્યા
દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ
નૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં 3200 લોકો જ જોડાશે પણ તપાસનો વિષય એ છે કે તેનાથી પણ વધારે હજારો લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા અને કેવી રીતે વહીવટી અધિકારીઓ સ્થિતિ બગડશે તેવો અનુમાન જ ન લગાવી શક્યા? ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા. આ તપાસનો મામલો છે. દુષ્યંત ચૌટાલાએ નૂહમાં થયેલા રમખાણો અંગે કહ્યું કે રાજ્ય સરકારે ત્રણથી સાત કલાકમાં સ્થિતિને કાબૂમાં લઈ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે અનેક રાજ્યો એવા છે જ્યાં આવા રમખાણો બેથી ત્રણ દિવસ સુધી કાબૂમાં આવતા નથી. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે નૂહ રમખાણોમાં જે પણ સામેલ હતા ભલે પછી તે સગીર હોય કે પુખ્ત કોઈ પણ દોષિતને નહીં છોડીએ. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે નૂહ રમખાણો સુનિયોજિત હતા. તેમાં કોઈ રાજકીય પક્ષનો હાથ છે કે નહીં તે વ્યાપક તપાસનો વિષય છે. જોકે એડીજીપી કાયદા વ્યવસ્થાના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે કોઈને હટાવવા કે લાવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. અમે ત્યાં આઈઆરબીની બટાલિયન કાયમીરૂપે નિયુક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી સીએમ અનેકવાર એવા નિવેદનો આપી રહ્યા છે જેના લીધે સરકારની જ મુશ્કેલી વધી રહી છે જેના લીધે હરિયાણામાં ગઠબંધનવાળી સરકાર પર ખતરો તોળાતો દેખાઈ રહ્યો છે.