ભણવાની કોઈ વય નથી હોતી. એમ પણ માણસને જિંદગી કશું ને કશું સતત શીખવાડતી જ હોય છે. પંજાબના હોશિયારપુરના સોહનસિંહ ગિલે તો ૮૩ વર્ષની વયે એમએ વિથ ઇંગ્લિશની માસ્ટર ડિગ્રી મેળવીને નવો રેકૉર્ડ બનાવ્યો છે. તેમણે અમૃતસરથી ૧૯૫૭-‘૫૮માં બીએ કર્યું હતું. એ પછી પૂર્વ આફ્રિકી દેશ કેન્યામાં શિક્ષક તરીકે ૩૩ વર્ષ કામ કર્યા બાદ તેઓ ભારત પાછા કર્યા હતા. એ પછી તેમણે પંજાબની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને માસ્ટર ડિગ્રી મેળવવાનું પોતાનું ૬૧ વર્ષ જૂનું સપનું પૂરું કર્યું છે. તેઓ કેન્યામાં હૉકી અમ્પાયર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.
સોહનસિંહનો પુત્ર અમેરિકામાં રહે છે. તેમના પુત્ર અને પત્નીએ તેમને અભ્યાસ કરવા માટે હિંમત આપી હતી. તેઓ કહે છે કે સ્વસ્થ જીવનશૈલી અને પૉઝિટિવ થિન્કિંગને કારણે આગળ વધવામાં મદદ મળી છે. હવે હું બાળકો માટે પુસ્તકો લખવા માગું છું.