લગ્નમાં દુલ્હા-દુલ્હન પછી જો કોઈનો ફૈડકો ભારે હોય તો એ છે તેમની મમ્મીઓનો. સ્ટાઇલિસ્ટ અને ડિઝાઇનરોની ભાષામાં તેમને સેમી બ્રાઇડ તરીકેનું સ્થાન આપવામાં આવે છે અને કેમ ન હોય, કન્યાદાન કરવા માટે બેસનારી મમ્મી હોય કે પછી જાનમાં સામેલ થનારી મમ્મી, બન્નેનું એક્સાઇટમેન્ટ સરખું જ હોય છે. ચણિયાચોળી અને ગાઉનનો ટ્રેન્ડ આવ્યા બાદ, સાડીઓ જાણે થોડી પાછળ પડી ગઈ હતી, પણ હવે ફરી એક વાર આ સાડીઓને જુદી રીતે ડ્રેપ કરીને પહેરવામાં આવે છે. મધર ઑફ બ્રાઇડ અને ગ્રૂમ માટે આ લગ્ન સીઝનમાં કેવા ટ્રેન્ડ રહેશે ઇન એ જાણો.
બનારસી
છેલ્લા કેટલાક સમયથી બનારસી ફૅબ્રિક લગ્નસરામાં ખૂબ લોકપ્રિય બન્યું છે એવું કહેતાં થાણેની ફૅશન-ડિઝાઇનર ચાર્મી મોતા કહે છે, ‘સ્ટાઇલિંગની બાબતે દુલ્હન જેટલું જ મહત્ત્વ તેની મમ્મીનું પણ હોય છે. ફક્ત થોડા વયના તફાવતને લીધે ડ્રેસિંગમાં થોડા ફેરફાર કરવા પડે છે. બનારસી લહેંગા આ વખતે ખૂબ જ ચાલી રહ્યા છે. એ સિવાય સિમ્પલ ચણિયાચોળી પર બનારસી દુપટ્ટો પહેરવાનું ચલણ છે. બનારસી દેખાવમાં સુંદર અને રૉયલ લુક આપે છે.’
સદાબહાર પટોળાં
પટોળાં એક એવી સાડી છે જે ગુજરાતી લગ્નમાં ઓછામાં ઓછી એક વાર તો દેખાશે જ. આ વખતે કઈ રીતે પટોળાંનો ટ્રેન્ડ છે એ જણાવતાં ચાર્મી કહે છે, ‘જેમને ઘાઘરાચોળી પહેરવાં જ હોય તેમને માટે અમે દુપટ્ટામાં પટોળાં સિલેક્ટ કરીએ છીએ. એ સિવાય આખી સાડીને ચણિયા પર જુદી-જુદી રીતે ડ્રેપ કરવાનો પણ ટ્રેન્ડ છે. પરંપરાગત ઓરિજિનલ પટોળાં થોડાં મોંઘાં હોવાને કારણે હવે બનારસી ફૅબ્રિક પર સિંગલ પટોળાં પણ આવી ગયાં છે જે થોડી ઓછી રેન્જમાં સુંદર લુક આપે છે. અહીં સેમી પટોળાં પણ પસંદ કરી શકાય. ફેરા વખતે પટોળાં ખૂબ સારો ઑપ્શન છે.’