૯૩ વર્ષની વયે દેવલોક પામનાર જીવરાજબાપુનુ જીવન પ્રેરણારૂપ : મોરારી બાપુથી લઇ મુખ્યમંત્રી દ્વારા શ્રદ્ધાંજલિ
અમદાવાદ, તા.૨૦
જૂનાગઢના સતાધારના મહંત જીવરાજબાપુ ૯૩ વર્ષની વયે ગઇકાલે સોમવારે રાત્રે ૧૦ વાગે દેવલોક પામતાં તેમના અનુયાયી અને ભકતજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. જીવરાજબાપુ સતાધારના ૭માં મહંત હતા. આજે જીવરાજબાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકાયા બાદ જીવરાજબાપુની પાલખી યાત્રા નીકળી હતી. જેમાં અનેક સાધુ-સંતો સહિત હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સતાધારની જગ્યામાં બાપુના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા અને મોરારિ બાપુથી લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જીવરાજબાપુને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. છેલ્લા થોડાક સમયથી જીવરાજ બાપુને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ જીવરાજ બાપુને સતાધારની જગ્યામાં સમાધિ અપાશે. ગત રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવરાજ બાપુની તબિયત પૂછી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલા જીવરાજ બાપુને ન્યુમોનિયા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. મહંત જીવરાજ બાપુનાં નિધનનાં સમાચાર મળતાં તેમનાં સેવકો મોટી સંખ્યામાં રાત્રિથીજ સતાધાર આવી ગયા હતા. તેમને કવચિત્ આવતીકાલે બપોરે બાદ આપાગીગાની જગ્યામાં જ સમાધિ આપવામાં આવે એવી શક્યતા છે એમ જૂનાગઢનાં મેયર ધીરૂભાઇ ગોહેલે જણાવ્યું હતું. જીવરાજબાપુનો જન્મ માધવપુર (ઘેડ)નાં સરમા ગામે થયો હતો. તેઓ બાળપણમાં નાની વયથી જ સત્તાધારની જગ્યામાં આવી ગયા હતા અને વર્ષ ૧૯૮૨માં મહંત બન્યા હતા. જીવરાજબાપુ ગાયોની સેવા કરી ગૌશાળામાં જ રહેતા હતા. તેમણે ૧૯૮૨માં મહંતની ગાદી સંભાળી હતી. શ્યામજીબાપુએ તેમને મહંત બનાવ્યા હતાં. નાની ઉંમરથી તેઓ સતાધારમાં સેવા કરતા હતાં. ઉલ્લેખનીય છે કે, આપાગીગા દ્વારા સતાધારની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ સતાધારમાં તેમના શિષ્ય કરમણ બાપુ, ત્યારબાદ રામબાપુ અને તેવી જ રીતે હરીબાપુ અને ત્યારબાદ લક્ષ્મણબાપુ, પછી શ્યામજીબાપુ અને તે પછી જીવરાજબાપુએ સતાધારની જવાબદારી સંભાળી હતી., ત્યારબાદ તેમનાં શિષ્ય જગદીશબાપુ દેવ થયા બાદ હાલ લઘુમહંત તરીકે વિજયબાપુ સતાધારની જવાબદારી સંભાળી રહ્યા છે. ગુરૂ શામજીબાપુએ તેમની તિલકવિધી કરી ગુરૂ દિક્ષા તેમને મહંત તરીકે બિરાજમાન કર્યા હતા. ૩૫ વર્ષથી સતાધારની જગ્યામાં ભક્તિભાવમાં લીન રહી માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજી સેવારત રહ્યા. જીવરાજબાપુ કદી ધાર્મિક રોજનીશીમાં થાકતા નહીં, ક્યારેક રાત્રે બે વાગે સુતા તો પણ સવારે ૪ વાગ્યે ઉઠી જતા. અખાડામાં જ્યાં કુંભ હોય ત્યાં રસોઇ આપવાની પરંપરા પણ તેમણે નિભાવેલી. તમામ તીર્થયાત્રા બાપુએ કરેલી છે. બેહદ સાદગીથી જીવન જીવતા હતા. તેમના ઓરડામાં કદી પંખો કરતા નહોતા પરંતુ યાત્રીકો માટે એસી સુવિધા ઉભી કરી પોતે તીવ્ર ગરમીમાં પણ પંખો ન કરતા. તેમના અંતિમ દર્શન માટે હજારો અનુયાયીઓ, સેવકો અને ભકતજનોએ આજે રીતસરની પડાપડી કરી હતી.