થરાદના સણધર પરણાવેલી રમીલાબેન પરમાર ઉ.વ.૨૨ સોમવારની રાત્રે ત્રણ વાગ્યાથી ઘેરથી નીકળી ગઇ હતી. તેના મોબાઇલ પર નંબર પરથી ફોન આવતા હતા. ત્યાર બાદ તેણીનો ફોન બંધ આવતો હોઇ તેણીના જેઠે જાણ કરતાં તેમના પિતરાઇ ભરતભાઈ વેરશીભાઈ પરમાર (રહે.દેવપુરા તા. વાવનાઓ) એ થરાદ આવીને સંપર્ક કરતાં મંગળવારના સવારના સાડા નવ વાગે તે નંબર પર અભેપુરા ગામના ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ સાથે વાત થઇ હતી. તેને મળીને પુછતાં તે બે ત્રણ વર્ષથી રમીલાને પ્રેમ કરતો હતો. અને રાત્રે રમીલાને મળવા ગયેલ તેમજ ડેલ અને સણધર પુલ વચ્ચે આવી તે તથા રમીલા પાંચક વાગ્યે કેનાલમાં એકબીજાના હાથ બાંધીને પડેલા હતા. જેમાં પોતાના હાથમાંથી ગાંઠ નીકળી જતા પોતે બચી ગયો હતો અને રમીલા પાણીમાં ડુબી ગઈ હતી તેવી વાત કરી હતી. આથી તેમણે કુટુંબના માણસો એકઠા કરી તેણે બતાવેલી જગ્યા પ્રમાણે તપાસ કરતાં મંગળવારના સાંજના સવાચાર વાગ્યાના સુમારે રમીલાના હાથમાં દુપટ્ટા વડે બાંધેલ મૃતદેહ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને શોધખોળ દરમિયાન મળી આવ્યો હતો. દુપટ્ટાના બીજા છેડે પણ ગાંઠ મારેલી જણાઇ આવી હતી.
આ અંગે ભરતભાઇએ થરાદ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને અલગ અલગ સમાજ ના હોઇ અને પોત પોતાના સમાજમાં અગાઉથી પરણિત હોઇ સાથે જીવન જીવી શકે તેમ ન હોવાથી રમીલાએ તેને મળવા બોલાવતાં તેણે રમીલાથી છુટકારો મેળવવા તેને સાથે લઈ જઈ રમીલાના હાથે તથા પોતાના હાથે દુપટ્ટાથી ગાંઠ મારી બાંધી સાથે કેનાલમાં પડી પોતે હાથથી ગાંઠ છોડી બહાર નીકળી જઈ રમીલાને પાણીમાં ડુબાડીને તેણીનું મોત નીપજાવી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી