ભારતીયો માટે મનોરંજનના સૌથી સરળતાથી અને સસ્તામાં મળતા બે સાધનો છે. એક તો ફિલ્મો અને બીજું ક્રિકેટ. ભારતીયો જેટલા ફિલ્મો જોવા પાછળ દીવાના છે તેટલા જ ક્રિકેટઘેલા છે. ક્રિકેટની સિઝન આવે એટલે લોકો ઘરમાં ભરાઇને ટીવી પર જોવા બેસી જાય.
હવે તો ટીવી પણ નહીં, ખમતીધર લોકો તો દેશ-વિદેશમાં રમાતી મેચો ક્રિકેટસ્ટેડિયમમાંજોવા જાય છે. આ સિવાય પણ ફિલ્મો અને ક્રિકેટ વચ્ચે ઘણો નજીકનો સંબંધ રહ્યો છે.
ઘણી ફિલ્મી હિરોઇનો ભારતીય કે વિદેશી ક્રિકેટરોને પરણી છે અને હવે તો ક્રિકેટરો અને ક્રિકેટને હિન્દી ફિલ્મોમાં પણ કંડારાય છે. અત્યાર સુધી તો ક્રિકેટને કે અન્ય રમતોને જ ફિલ્મોમાં બતાવાતી કે તેના પર ફિલ્મો બનતી, પણ હવે બાયોપિકના જમાનામાં કેટલાય ક્રિકેટરો પર બાયોપિક બની છે અને બની રહી છે અને ક્રિકેટરો પણ ફિલ્મોમાં કામ કરે છે. આમ, બંને વચ્ચે ઘણો નજીકનો ઘરોબો છે. અત્યારે ક્રિકેટપર બે ફિલ્મો બની રહી છે.
‘ધ ઝોયા ફેક્ટર’ તો તે જ નામની નવલકથા પર આધારિત છે, પણ ’૮૩ ફિલ્મ તો ભારત ૧૯૮૩માં વિશ્ર્વકપ જીત્યું તેની કથાને તથા ભારતને જીતાડનાર ટીમના કપ્તાન કપિલ દેવ પર આધારિત છે. આબે ફિલ્મો પહેલાય કેટલીક ફિલ્મો ક્રિકેટ અનેક્રિકેટર પર બની ચૂકી છે, જે ઘણી સફળતાને વરી હતી. આવો ક્રિકેટ પરની આ ફિલ્મો વિશે થોડીક ચર્ચા કરીએ.
ધ ઝોયા ફેક્ટર
અનુજા ચૌહાણની નવલકથા ‘ધ ઝોયા ફેક્ટર’ પરથી તે જ નામે ફિલ્મ બની રહી છે, જે ક્રિકેટ વર્લ્ડ કપની પૃષ્ઠભૂમિ પર છે અને તેમાં ક્રિકેટની વચ્ચે નવા પ્રકારે રોમાન્સ પાંગરે છે. સોનમ કપૂર તેમાં ખરેખર ભારતીય ક્રિકેટ ટીમ માટે લકી બને છે, જેનો કેપ્ટન દલકેર સલમાન છે. આફિલ્મ જોવા રાહ જુઓ.
’૮૩
૧૯૮૩માં ભારત વર્લ્ડ કપ જીત્યું તેના પર બની રહેલી આ ફિલ્મ ’૮૩માં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા કરી રહ્યો છે. કબીર ખાન દિગ્દર્શિત આ ફિલ્મ ભારતના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજય પર આધારિત છે. રણવીર અને દીપિકા પદુકોણના લગ્ન થયા પછીની બંનેની જોડીની આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મ આવતા વર્ષે રજૂ થવાની છે.
લગાન
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૩૦ કરોડ
આશુતોષ ગોવારીકરની આ ફિલ્મ ભારતની સ્વતંત્રતા પૂર્વેના સમયનીવાર્તા કહે છે, જેમાં આમિર ખાન એકમાત્ર સ્ટાર કલાકાર હતો. બાકીની સ્ટારકાસ્ટમાં થોડા ઓછા જાણીતા કલાકારો હતા, પણ આમિરે આખી ફિલ્મ પોતાના ખભે ખેંચી નાંખી હતી. જોકે, તેમાં આશુતોષના સર્જનની અદ્ભુત માવજત, લોકેશન, અન્ય કલાકારોનો પણ મોટો ફાળો હતો, પણ આમિરનો એક ગામઠી યુવાન તરીકેનો અભિનય બહુ અલભ્ય હતો. ફિલ્મ બહુ હિટ ગઇ હતી અને ઑસ્કર નૉમિનેશન માટે પણ મોકલાઇ હતી.
એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૧૩૩.૫૦ કરોડ
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન એમએસ ધોનીના જીવન અને સમય પર બનેલી આ ફિલ્મને વિશાળ પ્રમાણમાં દર્શકો મળ્યા હતા અને બૉક્સ ઓફિસ પર પણ સારીસફળતા મળી હતી. નીરજ પાંડેની આ ફિલ્મને વિવેચના પણ સારી મળી હતી. સુશાંત સિંહ રાજપૂતે ધોનીનો ટાઇટલ રોલ બખૂબી નિભાવ્યો હતો.
પતિયાલા હાઉસ
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૩૧ કરોડ
દિગ્દર્શક નિખિલ અડવાણીએ આ ફિલ્મમાંકેન્દ્રીય વિષય તરીકે ક્રિકેટ સાથે જાતિવાદને સાંકળ્યો હતો, પણ તેમના આ વિષયની દર્શકોએ નોંધ ના લીધી. અક્ષય કુમારે યુકેમાં સ્થાયી થયેલા ભારતીય ક્રિકેટરની ભૂમિકા ભજવી હતી.
ઇકબાલ
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૪.૫૦ કરોડ
નાગેશ કૂકનૂરે ‘ઇકબાલ’ ફિલ્મમાં સેન્સીટીવ વાર્તાને કંડારી હતી, જેમાં શ્રેયસ તલપડેએ મૂક આશાસ્પદ ક્રિકેટરનો રોલ ભજવ્યો હતો અને નસીરુદ્દીન શાહે આલ્કોહોલિક કૉચનો રોલ કર્યો હતો. નાની ફિલ્મ હતી, પણ વિષય મોટો હૃદયને સ્પર્શી જાય તેવો હતો. ફિલ્મને સારી વિવેચના મળવા સાથે ભરપૂર વખાણ થયા હતા અને કમર્શિયલ સફળતા પણ મળી હતી. ત્યારે એ સમય હતો, જ્યારે મલ્ટિપ્લેક્સ સિનેમાની શરૂઆત થઇ રહી હતી.
ફરારી કી સવારી
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૩૨ કરોડ
રાજેશ માપુસ્કરની ‘ફરારી કી સવારી’ ફિલ્મમાં એકપિતાના જીવનની કથા હતી, જે તેના પુત્રનું લૉર્ડસના ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવાનું સપનું પૂરું કરવા માટે એક ફરારીની ચોરી કરે છે. પછીથી તેમને ખબર પડે છે કે તેમણે જે કાર ચોરી હોય છે તે તો ક્રિકેટના ગોડ સચિન તેન્ડુલકરની છે. શર્મન જોશી, બૉમન ઇરાની અને રિત્વિક સાહોરે જેવા કલાકારો સાથેની આ ફિલ્મે આશ્ર્ચર્યકારક કમર્શિયલ સફળતા મેળવી હતી.
સચિન: અ બિલિયન ડ્રીમ્સ
બૉક્સ ઑફિસ કલેકશન: રૂ. ૫૧ કરોડ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડૉક્યુમેન્ટરી ફિલ્મો બહુ ઓછી બને છે, જે થિયેટરમાં રિલીઝ થાય છે. ‘સચિન: અ બિલિયન ડ્રીમ્સ’ ફિલ્મ પણ વિશ્ર્વના સુપરસ્ટાર ક્રિકેટર સચિન તેન્ડુલકરના જીવન અને કારકિર્દીની વાર્તા કહેછે. આ ફિલ્મ પણ સારી ચાલી હતી. તેને જો મોટા પાયે રિલીઝ કરી હોત તો હજુ વધુ સફળતા મળત.
અઝહર
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૩૩ કરોડ
ઇમરાનહાશમીએ ટૉની ડિ’સૌઝાની ભારતીય ભૂતપૂર્વ સ્કિપર મહોમદ અઝહરુદ્દીનની બાયોપિકમાં ટાઇટલ રોલ ભજવ્યો હતો. તેમાંઆમ તો અઝહરના જીવનની સ્ટોરી મુખ્ય વિષય હતો, પણ સાથે મૅચ ફિક્સિગં સ્કેન્ડલમાં સંકળાયેલા તેના નામને ભૂસીને તેને ચોખ્ખો બતાવવાનો પણ પ્રયાસ કરાયો હતો.
જન્નત
બૉક્સ ઓફિસ કલેકશન: રૂ. ૩૨ કરોડ
ઇમરાનહાશમીએ ‘અઝહર’નો રોલ કર્યો તે પહેલા ‘જન્નત’ ફિલ્મમાં વાસ્તવમાં મેચ ફિક્સિગં સાથે સંકળાયેલા એજન્ટનો રોલ કરેલો. ચાર્ટબસ્ટર મ્યુઝિક સાથે કુણાલ દેશમુખ દિગ્દર્શિત આ ફિલ્મ બહુ સુંદર બનાવાઇ હતી અને દર્શકોની ભરપૂર પ્રશંસા પણ મળી હતી. એકદમ કમર્શિયલ મસાલા ફિલ્મ હતી.