
સામગ્રી
પડ માટે
☞ બટાટા – ૫૦૦ ગ્રામ
☞ આરાલોટ – બે ચમચા
☞ તેલ – તળવા માટે
સ્ટફિંગ માટે
☞ શેકેલા સીંગદાણા – ૧ વાટકી
☞ દ્રાક્ષ – ૧૦-૧૨ નંગ
☞ કાજુ – ૧૦-૧૨ નંગ
☞ શેકેલાં તલ – ૨ ચમચા
☞ મરચાં – પાંચ નંગ
☞ આદું – એક કટકો
☞ આમચૂર પાઉડર – એક ચમચી
☞ સીંધાલૂણ, લીંબુ, ખાંડ – સ્વાદ મુજબ
બનાવવાની રીત
બટાટાને બાફીને છોલ્યા બાદ છીણી લો. બટાકાનો માવો એકદમ ઠંડો થઈ જાય પછી હથેળીથી ઘસીને એકદમ લીસો બનાવી દો. એમાં જરૂર પ્રમાણે આરાલોટ અને સીંધાલૂણ ભેળવી બફવડાંનું મિશ્રણ તૈયાર કરો. પડ સહેજ પણ ઢીલું લાગે તો આરાલોટ ઉમેરતા જાઓ. ગોળા વળે અને ભાંગે નહીં એવું કડક બનાવો. ત્યાર બાદ શેકેલા સીંગદાણાનો ભૂકો કરીને, તલ, કિસમિસ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, આમચૂર પાઉડર, આદું, મરચાં મિક્સ કરીને મિક્સરમાં અધકચરા ક્રશ કરી દો. તેના નાના ગોળા વાળો. બટાટાના મિશ્રણમાંથી ગોળા વાળી એમાં આ સ્ટફિંગ કરો. ગોળાને આરાલોટમાં રગદોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો અને ગરમાગરમ સર્વ કરો. લીલી ચટણી અને દહીં સાથે બહુ ટેસ્ટી લાગે. તમને ભાવે તો એમાં કોપરાનું છીણ પણ ઉમેરી શકાય.