મુંબઈ: મોબાઈલ ઍપમાં નિર્માણ થયેલી ટૅક્નિકલ ખામીને કારણે બે દિવસના અંતર બાદ સોમવારે ફરી ચાલુ થયેલા વેક્સિનેશનના બીજા રાઉન્ડમાં સવારથી સાંજ સુધીમાં માત્ર ૧,૫૯૭ આરોગ્ય કર્મચારીઓએ વેક્સિનનો ડોઝ લીધો હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રતિદિન ચાર હજાર લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક પાલિકાએ રાખ્યો છે, પણ બીજા રાઉન્ડમાં પણ મોબાઈલ ઍપમાં ટૅક્નિકલ ખામી સર્જાવાને કારણે પાલિકા પોતાનો લક્ષ્યાંક પૂરો કરી શકી નહોતી.શનિવારે મોટા પાયે ચાલુ થયેલી કોરોના સામેની વેક્સિનેશનની ઝુંબેશનું પહેલા જ દિવસે સુરસુરિયું થઈ ગયું હતું. મોબાઈલ ઍપમાં સર્જાયેલી ટૅક્નિકલ ખામીને કારણે મોટા ભાગના લોકોને ઍપ પરથી મૅસજ નહીં મળતાં શનિવારે લોકો વેક્સિન લેવા પહોંચી શકયા નહોતો. તેથી તાત્કાલિક ધોરણે મોબાઈલ ઍપમાં રહેલી ટૅક્નિકલ ખામીને દૂર કરવાનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. તે માટે વેક્સિનેશનના કામને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યું હતું અને મંગળવાર સવારથી ફરી મુંબઈમાં પાલિકાના નવ અને સરકાર સંચાલિત એક વેક્સિનેશન સેન્ટરમાં વેક્સિનેશન ચાલુ કરવામાં આવ્યુ હતું. જોકે બીજા રાઉન્ડમાં પણ ફરી મોબાઈલ ઍપમાં ટૅક્નિકલ ખામી સર્જાવાને કારણે અમુક લાભાર્થીઓને બીજી વખત મેસેજ ગયા હતા, તો અમુક લોકોને મેસેજ મળ્યા જ નહોતા, જ્યારે અમુક નામ ડબલ વખત થઈ ગયા હતા. આને કારણે દિવસ દરમિયાન માંડ ૧,૫૯૭ લોકોને વેક્સિન આપી શકાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાલિકાનાં ચીફ હૅલ્થ ઍક્ઝિક્યુટિવ ડૉ. મંગળા ગોમારેએ જણાવ્યું હતું કે મંગળવારે ફરી એક વખત મોબાઈલ ઍપમાં ટૅક્નિકલ ખામી સર્જાઈ હતી, જેને કારણે ચાર હજાર લોકો નક્કી કર્યા હોવા છતાં માત્ર ૧,૫૯૭ લોકોને જ રસી આપી શકાઈ હતી. મોબાઈલ ઍપમાં ચાર હજાર નામ નક્કી કર્યાં હતાં, તેમાંથી ૮૦૦ ડુપ્લિકેટ આવતા હતા. બાકીના એક જ વોર્ડમાં બધાને મેસેજ જતા હતા. આવી અનેક ટૅક્નિકલ ખામીઓને પગલે વધુ લોકોને વેક્સિન આપી શકાઇ નહોતી. મોબાઈલ ઍપમાં આવેલી અડચણો બાબતે અમે રાજ્ય સરકારને જાણ કરી છે.
આ દરમિયાન મંગળવારે સવારના નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં પાલિકાના નવ સેન્ટરમાં ૧,૫૯૭ આરોગ્ય કર્મચારીને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર ત્રણ જણને મામૂલી તકલીફ થઈ હોવાનું પાલિકાના આરોગ્ય ખાતાએ જણાવ્યું હતું. કે.ઈ.એમ. હૉસ્પિટલમાં ૩૦૭, સાયન હૉસ્પિટલમાં ૧૧૦, કૂપરમાં ૨૨૯, નાયરમાં ૧૬૫, વી.એન. દેસાઈ હૉસ્પિટલમાં ૫૯, ભાભા હૉસ્પિટલમાં ૨૩૬, રાજાવાડીમાં ૨૮૫, બાંદ્રા-કુર્લા જંબો સેન્ટરમાં ૧૦૩, બાંદ્રાની ભાભા હૉસ્પિટલમાં ૯૦ અને રાજ્ય સરકારની જે.જે. હૉસ્પિટલમાં ૧૩ લોકોને વેક્સિન આપવામાં આવી હતી.