ભારતમાં પણ કોરોના વાઇરસનો નવો સ્ટ્રેન પહોંચી ગયો છે. અહીં છ સંક્રમિતમાં આ વાઈરસ મળ્યો છે. આ બધા તાજેતરમાં જ બ્રિટનમાંથી પરત ફર્યા હતા. જોકે હાલ એ જાણવા મળ્યું નથી કે આ દર્દીઓને ક્યાંથી મળ્યા છે. આ પૈકીનાં ત્રણ સેમ્પલ બેંગલુરુ, બે હૈદરાબાદ અને એક પુણેની ઈન્સ્ટિટયૂટમાં મોકલવામાં આવ્યાં હતાં. બ્રિટનમાં મળેલો આ વાઈરસ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાતો હોવાનું કહેવાઈ રહ્યું છે.બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાવાઈરસના વધુ ખતરનાક બે વેરિઅન્ટ મળી ચૂક્યા છે. પ્રથમ વેરિઅન્ટ મળ્યા પછી ભારત સરકારે 21 ડિસેમ્બરે બ્રિટનમાંથી આવતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાતે 11.59 વાગ્યા સુધી લગાવવામાં આવ્યો છે. જે લોકો આ પહેલા ફ્લાઈટ્સથી ભારત પહોંચ્યા તેમનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.વાઈરસનું નવું રૂપ 70 ટકાથી વધુ ઝડપથી ફેલાય છે વાઈરસમાં સતત મ્યુટેશન થતુ રહે છે, એટલે કે તેના ગુણ બદલાતા રહે છે. મ્યુટેશન થવાથી વેરિઅન્ટ પોતે જ ખત્મ થઈ જાય છે. જોકે ક્યારેક-ક્યારેક પહેલા કરતા વધુ મજબૂત અને ખતરનાક થઈ જાય છે. આ પ્રોસેસ એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિક એક રૂપને સમજ્યાં પણ ન હોય ત્યાં બીજું નવું રૂપ પ્રકાશમાં આવે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે કોરોનવાઈરસનું જે નવું રૂપ બ્રિટનમાં મળ્યું છે, તે પહેલા કરતા 70 ટકાથી વધુ ગતિથી ફેલાઈ શકે છે.