નવા વર્ષની ઉજવણીની આપણે દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, પણ આ વખતે ન્યુ યર સેલિબ્રેશનમાં જોઈએ એવો ઉત્સાહ દેખાતો નથી. ૨૦૨૦નું વર્ષ વિશ્વભરના લોકો માટે કપરું રહ્યું હોવાથી સૌકોઈ ઇચ્છે છે કે વર્ષ જલદી પૂરું થાય અને બધા પોતપોતાની રૂટીન લાઇફમાં ફરીથી ગોઠવાઈ જાય. તાજેતરમાં લેટ નાઇટ પાર્ટી અને જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવતાં રહ્યો-સહ્યો ઉત્સાહ પણ ઓસરી ગયો છે. જોકે મહિલાઓ ખૂબ આશાવાદી છે. પરિવારના સભ્યો આનંદ કરી શકે એ માટે બધા જ તહેવારોમાં તેમણે વેરિએશન ઍડ કર્યું હતું. નવા વર્ષને પણ તેઓ હટકે સ્ટાઇલમાં આવકારવા તત્પર છે ત્યારે હાઉસ પાર્ટીમાં મહિલાઓનો ડ્રેસકોડ કેવો હોવો જોઈએ એ સંદર્ભે નિષ્ણાતોએ શૅર કરેલા આઇડિયાઝ જાણી લો.
આ વર્ષ બધાનું એકદમ ડલ ગયું હોવાથી નવા વર્ષને ચમકદમક સાથે આવકારવું જોઈએ. ખાસ કરીને મહિલાઓ માટે ૨૦૨૦ આફત બનીને ત્રાટક્યું છે એમ કહી શકાય. બાળકો અને હસબન્ડની સતત ઘરમાં હાજરી અને કામવાળાની ગેરહાજરી, વર્ક ફ્રૉમ હોમ અને વર્ક ફૉર હોમનું પ્રેશર હૅન્ડલ કરીને હવે તેઓ ચોક્કસ થાકી છે ત્યારે તેમના માટે કંઈક સ્પેશ્યલ સેલિબ્રેશન હોવું જોઈએ. ફૅશન-ડિઝાઇનર પરિણી ગાલા કહે છે,
‘ન્યુ યર પાર્ટીમાં રાત્રે મોડે સુધી બહાર રહેવાની પરવાનગી નથી તેમ જ કોરોનાનો ડર ગયો નથી એટલે ગણપતિ, નવરાત્રિ, દિવાળી એમ બધા જ તહેવારોની જેમ ન્યુ યરનું સેલિબ્રેશન પણ ઘરમાં રહીને કરવાનું છે. હાઉસ પાર્ટીમાં ગ્લિટર, શાઇન ઍન્ડ બ્લિન્ક ડ્રેસકોડ રાખવો. રેઇનબો બ્લિન્ક, ન્યુડ બ્લિન્ક, વેલ્વેટ ફૅબ્રિક જેવા ઘણા ઑપ્શન છે. ફૅમિલી મેમ્બર્સ સાથે સેલિબ્રેટ કરવાના છો, ફૅમિલી વિથ ફ્રેન્ડ્સ મળીને એન્જૉય કરવાના છો કે પછી લેડીઝ પાર્ટી પ્લાન કરી છે એ પ્રમાણે ડ્રેસિસમાં ચેન્જિસ લાવી શકાય. ફૅમિલી પાર્ટીમાં કલરફુલ ડ્રેસ પહેરી શકાય.
ફૅમિલી વિથ ફ્રેન્ડ્સ પાર્ટીમાં મહિલાઓનો ડ્રેસકોડ હોવો જોઈએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે ઝગમગ કરતી સાડી. બેસ્ટ સાડી અને બેસ્ટ સ્માઇલ માટે ગિફ્ટ પણ આપવી. મહિલાઓ માટે ગૉસિપ પાયજામા પાર્ટી, ક્વીન તેમ જ ઝુમ્બા પાર્ટી બેસ્ટ ચૉઇસ છે.’
યસ, મહિલાઓએ લૉકડાઉનમાં ડબલ કામ કર્યું હોવા છતાં તેમનો અપ્રોચ પૉઝિટિવ રહ્યો હોવાથી ન્યુ યર સેલિબ્રેશનમાં ઘણાં ઇનોવેશન્સ જોવા મળશે. ફૅશન-ડિઝાઇનર કિંજલ પંડ્યા કહે છે, ‘કોરોનાકાળમાં મહિલાઓ રોલ મૉડલ બનીને ઊભરી છે. આ વખતની ન્યુ યર થીમમાં સીક્વન્સ અને શિમર લુક તેમની પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી શકે છે. નવા વર્ષને આવકારતી વખતે રેડ, વાઇટ અને બ્લૅક આ ત્રણ કલર્સ પર ફોકસ રાખવું. આ એવા રંગો છે જે બધાની પાસે હોય છે. દરેક વયના લોકો પાર્ટિસિપેટ કરી શકે એવી હાઉસ પાર્ટીમાં સીક્વન્સ (ટીકીવાળાં વસ્ત્રો) બ્લાઉઝ સાથે શિફોન સાડી ગ્લૅમરસ લુક આપશે. ઘરમાં બધા કમ્ફર્ટેબલ હોય તો ટીકીવાળાં શૉર્ટ ડ્રેસ અથવા ગાઉન પણ પહેરી શકાય.’