૧૪થી ૧૬ માર્ચ યુ.કે.ખાતે યોજાનારી સમિટમાં અમદાવાદના મેયર મ્યુનિ.અધિકારીઓ સાથે ભાગ લેશે
બ્લુમબર્ગ વાઈટલ સ્ટ્રેટેજી,યુ.એસ.એ.દ્વારા અમદાવાદ શહેરમાં બિનચેપીરોગને નિયંત્રણમાં લેવા એક લાખ યુ.એસ.ડોલરની ફાળવણી કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલા રીસર્ચ પ્રોજેકટને ધ્યાનમાં લઈ જરુરી પ્રાથમિક પગલાં લેવા મ્યુનિ.ને વધુ પચાસ હજાર યુ.એસ.ડોલરની દરખાસ્ત આપવામાં આવી છે.૧૪થી ૧૬ માર્ચ સુધી યુ.કે.ખાતે ૭૦ દેશના મેયર અને અધિકારીઓ માટે યોજનારી સમિટમાં ભાગ લેવા અમદાવાદના મેયર મ્યુનિ.ના અન્ય અધિકારીઓ સાથે ભાગ લેશે.
.કે.ખાતે ૧૪ માર્ચથી ૧૬ માર્ચ સુધી તંદુરસ્ત શહેરી જીવનશૈલી વિષય ઉપર એક સમિટ આયોજિત કરવામાં આવી છે.અમદાવાદ શહેરના નાગરિકોમાં બિનચેપી રોગ જેવા કે દારુ કે તમાકુના વ્યસનના કારણે જુદા-જુદા રોગો થવાની શકયતા તથા આરોગ્યને લગતી રોજીંદી જીવનશૈલી તપાસવા અને અવલોકન કરવા અંગે બ્લુમબર્ગ ફિલાન્થ્રોપી અને વાઈટલ સ્ટ્રેટેજી(યુ.એસ.એ.)દ્વારા અમદાવાદ શહેરને રીસર્ચ પ્રોજેકટ મોનિટરીંગ ઓફ નોન કોમ્યુનિકેબલ ડીસીઝ રીસ્કફેકટર માટે એક લાખ યુ.એસ.ડોલરની ફાળવણી કરી છે.પ્રોજેકટ અંતર્ગત મ્યુનિ.તંત્ર દ્વારા ૫૭૬૦ નાગરિકોના ઘરે જઈ ૨૫૦૦ જેટલા નાગરિકોના બ્લડ તથા યુરીન સેમ્પલના રિપોર્ટ તૈયાર કરવામાં આવેલા હતા.આ ડેટાએનાલીસીસ અને રીપોર્ટ રાઈટીંગની કામગીરી ટૂંક સમયમાં પુરી કરાશે.આ પ્રોજેકટની કામગીરીને ધ્યાનમા લઈ પરિણામ આધારીત પ્રાથમિક કક્ષાના પગલાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વધુ પચાસ હજાર યુ.એસ.ડોલરની દરખાસ્ત આપવામાં આવી છે.યુ.કે.ખાતે આગામી માસમાં યોજાનારી સમિટમાં શહેરના મેયર કીરીટ પરમાર ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પ્રવિણ ચૌધરી,ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકી ઉપરાંત મ્યુનિ. હસ્તકની ચેપીરોગ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડોકટર વિજય ઝાલા ભાગ લેશે.આ સમિટીમાં શહેરી વિસ્તારમાં બિનચેપીરોગ ઘટાડવા અંગેની પોલીસી તૈયાર કરવામાં આવશે.