મ્યુનિ.તંત્રને વ્યાજમાફી સ્કીમ ફળી, ૫૩ દિવસમાં ૧.૯૪ લાખ કરદાતાઓેએ ૨૩૬.૧૪ કરોડ ટેકસ ભરપાઈ કરી દીધો

0
8

વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ હેઠળ ૧૨૮ કરોડથી વધુની વસૂલાત,૧૪ દિવસમાં ૨૧ હજારથી વધુ મિલકત સીલ

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા નવતરપ્રયોગ હાથ ધરતા ૬ જાન્યુઆરીથી તબકકાવાર વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકતા ૫૩ દિવસમાં કુલ ૧,૯૪,૨૬૩ કરદાતાઓએ રુપિયા ૨૩૬.૧૪ કરોડનો મિલકતવેરો ભરપાઈ કરી તેમનુ ટેકસ માંગણુ શૂન્ય કરતા મ્યુનિ.ને વ્યાજમાફી સ્કીમ ફળી છે.૧૪ ફેબુ્રઆરીથી તંત્ર તરફથી બાકી મિલકતવેરો વસૂલવા વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરવામાં આવી છે.આ સ્કીમ હેઠળ રુપિયા ૧૨૮.૨૨ કરોડની વસૂલાત કરવામાં આવી છે.૧૪ ફેબુ્આરીથી ૨૮ ફેબુ્આરી સુધીમાં શહેરમાં કુલ ૨૧,૪૯૯ મિલકત સીલ કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૧ વર્ષ બાદ ૧૦૦ ટકા વ્યાજમાફી સ્કીમ અમલમાં મુકવામાં આવી છે.રેવન્યુ કમિટીની બેઠક બાદ ચેરમેન જૈનિક વકીલે કહયુ,બાકી મિલકતવેરાની વસૂલાત કરવા તમામ ઝોનના અધિકારીઓ તેમના ઝોનમાં એક દિવસ સવારથી સાંજ ફીલ્ડમાં સીલીંગ ઝુંબેશ અને રીકવરી ઝુંબેશમાં જોડાયા છે આ કામગીરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા છે.મોટી રકમનો મિલકતવેરો ભરપાઈ નહીં કરનારા કરદાતાઓની મિલકતના પાણી અને ડ્રેનેજના જોડાણ કાપવામાં આવી રહયા છે.પૂર્વઝોનમાં વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા છે.ઉપરાંત કલેકટર કચેરીનો સંપર્ક કરી મોટી રકમ ભરપાઈ નહીં કરતા કરદાતાઓની મિલકત સામે બોજો નોંધાવવાની કાર્યવાહી કરવામાં આવશે.સાત ઝોનમાં ૭૬ કરદાતાઓની મિલકતની હરાજી કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી.આ પૈકીની ૧૮ મિલકતમાંથી  ત્રણ મિલકતનો પુરો ટેકસ ભરપાઈ કરાયો છે.સાત કરદાતાઓએ એડવાન્સ ચેક આપ્યો છે.ત્રણ મિલકતના પાણી-ડ્રેનેજના જોડાણ કાપવામાં આવ્યા છે.પાંચ મિલકતમાં અરજીના નિકાલ બાદ ટેકસની ભરપાઈ કરવામાં આવશે.અન્ય ૫૮ મિલકતના કરદાતાઓને કલમ-૪૨-૪૩ મુજબની નોટિસ આપવાની કાર્યવાહી ચાલુ છે જે પુરી થયા બાદ હરાજી સુધીની પ્રક્રીયા કરવામાં આવશે.૧૪ ફેબુ્આરીથી ૨૮ ફેબુ્આરી સુધીમાં મધ્યઝોનમાં ૨૨૧૫,ઉત્તરઝોનમાં ૨૨૪૧, દક્ષિણઝોનમાં ૨૭૩૮ મિલકત સીલ કરવામાં આવી છે.ઉપરાંત પૂર્વ ઝોનમાં ૨૩૬૮,પશ્ચિમઝોનમાં ૮૫૨૧, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૨૩૨,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૧૮૪ મિલકત સીલ કરાઈ છે.