અમદાવાદ સાયબર ક્રાઇમે વડોદરાથી ગેરકાયદેસર રીતે દુબઇ સીમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપીને વડોદરાના બે અને ભરૂચમાં રહેતા એક વ્યક્તિની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસે શાહીબાગ ફોરેન પોસ્ટ ઓફિસથી જપ્ત કરેલા પાર્સલમાંથી ૫૫ સીમ કાર્ડ જપ્ત કર્યા હતા. આ સીમકાર્ડ દુબઇમાં ઓનલાઇન ગેમિંગ કોલ કરવા માટે કરવામાં આવતો હોવાની વિગતો જાણવા મળી છે. આ અંગેની વધુ તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે અમદાવાદ શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં વડોદરાથી એક પાર્સલ આવ્યું હતું. જેમાં તપાસ કરતા શંકાસ્પદ સીમકાર્ડ મળી આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમના અધિકારીઓને જાણ કરતા પોલીસે પાર્સલમાં તપાસ કરતા કાર્બન પેપરમાં છુપાવેલા ૫૫ જેટલા સીમકાર્ડ મળી આવ્યા હતા.આ અંગે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પાર્સલ સુર્યા નામના વ્યક્તિને સીંગલ બિઝનેસ ટાવર દુબઇ ખાતે વડસર ગામ વડોદરાથી મોકલાયું હતું. આ પાર્સલ અંગે માહિતી એકઠી કરવા માટે તપાસ આરંભીને શંકાને આધારે રાહુલ શાહ (રહે. અનુપમનગર,રેલવે કોલોની પાસે, દંતેશ્વર વડોદરા) , કાંતિભાઇ બલદાણીયા (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, અંક્લેશ્વર , ભરૂચ) અને અજય ભાલિયા (રહે.લવકુશનગરી સોસાયટી,વડસર, વડોદરા)ની ધરપકડ કરી હતી. આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દુબઇમાં ઓનલાઇન ગેંમિંગનુ કૌભાંડ ચલાવતી ગેંગને કોલીંગ માટે મોટાપ્રમાણમાં સીમકાર્ડની જરૂરીયાત રહેતી હતી અને અજય ભાલિયા સીમકાર્ડ મોકલવાનું કૌભાંડ ચલાવતો હતો. આ માટે રાહુલ શાહ જ્યારે કોઇ ગ્રાહકનું સીમ કાર્ડ ઇસ્યુ કરાવતો ત્યારે એક સીમકાર્ડ બાયોમેટ્ીક સિસ્ટમથી ઇસ્યુ કરતો હતો. જે ગ્રાહકને આપતો હતો અને એક સીમકાર્ડ ઓફલાઇન આધારકાર્ડ અને અન્ય દસ્તાવેજથી ઇસ્યુ કરીને પોતાની પાસે રાખતો હતો. આ રીતે તેણે કુલ ૫૫ સીમ કાર્ડ લીધા હતા. જે એક સીમ કાર્ડના ૩૦૦ રૂપિયા લઇને કાંતિ બદલાણિયાને આપતો હતો. કાંતિ બલદાણિયા એક સીમ કાર્ડ ૩૫૦ લેખે અજય ભાલિયાને આપતો અને અજય ભાલિયા એક સીમકાર્ડ ૪૫૦માં લેખે દુબઇ સપ્લાય કરતો હતો. આ મોડ્સ ઓપરેન્ડીથી અત્યાર સુધી ખુબ મોટાપ્રમાણમાં દુબઇ ખાતે સીમકાર્ડ મોકલ્યા હોવાની શક્યતા છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.