આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(ઇન્ટરનૅશનલ મોનિટરી ફન્ડ)ના નવા મૅનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જિયોરજીવાનું કહેવું છે કે હાલ સમગ્ર વિશ્વની ઇકૉનૉમી મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવાં સૌથી મોટાં ઊભરતાં બજારની ઈકૉનૉમીમાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
ક્રિસ્ટાલિના જિયોરજીવાએ સંકેત આપ્યા કે ચારે બાજુ ફેલાયેલી મંદીનો અર્થ છે કે વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન વૃદ્ધિદર આ દશકની શરૂઆતથી અત્યાર સુધીના નિમ્નતમ સ્તરે પહોંચી જશે. ક્રિસ્ટાલિના જણાવ્યા પ્રમાણે વિશ્વનો ૯૦ ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે.
આઇએમએફના એમડીના રૂપમાં પ્રથમ ભાષણમાં ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે ‘બે વર્ષ પહેલાં વૈશ્વિક ઈકૉનૉમી સમકાલિક રૂપથી ઊંચાઈ તરફ જઈ રહી હતી, અને વિશ્વનો લગભગ ૭૫ ટકા હિસ્સો વધી રહ્યો હતો. હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદીમાં છે. વર્ષ ૨૦૧૯માં મને લાગે છે કે વિશ્વના લગભગ ૯૦ ટકા ભાગમાં વૃદ્ધિ ઘટશે.’
તેમણે કહ્યું અમેરિકા અને જર્મનીમાં બેરોજગારીમાં ઐતિહાસિક ઘટાડો છે. તેમ છતાં પણ અમેરિકા, જાપાન અને વિશેષ રૂપથી યુરો ક્ષેત્રની વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક ગતિવિધિઓમાં નરમાઈ જોવા મળી છે. જોકે ભારત અને બ્રાઝિલ જેવા કેટલાંક ઊભરતાં બજારની અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે મંદીની વધુ સ્પષ્ટ અસર જોવા મળી રહી છે.
આઇએમએફના એમડીએ કહ્યું કે વૈશ્વિક વેપારની વૃદ્ધિ લગભગ અટકી ગઈ છે. આઇએમએફએ ઘરેલું માગ વધવાની શક્યતાઓના કારણે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૦.૩ ટકા ઘટાડી તેને ૭ ટકા કર્યું છે.
આ મહિને ક્રિસ્ટીન લાગાર્ડેના સ્થાન પર આઇએમએફનું ટોપ પદ સંભાળનાર ક્રિસ્ટાલિના જિયોરજીવાએ કહ્યું કે મુદ્રાઓ એક વાર ફરી મહત્ત્વની થઈ ગઈ છે અને વિવાદ ઘણા દેશો તથા અન્ય મુદ્દાઓ સુધી ફેલાયો છે.