ફૂડ પેકેટ્સમાં પાવ ભાજી, પુરી-શાક અને અન્ય ઘણી દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવા માટે મળશે
રેલવેની આ યોજના હાલ માત્ર 64 સ્ટેશનો પર જ શરૂ કરવામાં આવી છે

દેશમાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનોમાં મુસાફરી કરે છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ઘણા નિયમો બનાવ્યા છે, જેથી મુસાફરીને સુરક્ષિત અને સુવિધાજનક બનાવી શકાય. આ ઉપરાંત ભારતીય રેલવે મુસાફરો માટે સમયાંતરે ઘણી નવી સુવિધાઓ પણ શરૂ કરતી હોય છે. રેલવેએ દેશભરમાં ભારતીય ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક સારા સમાચાર આપ્યા છે. હવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભોજન માટે વધારે પૈસા ચૂકવવા નહી પડે. હવે ભારતીય રેલવે મુસાફરોને ખૂબ જ સસ્તા ભાવે ભોજન આપશે. ભારતીય રેલવેએ એક ખાસ યોજના શરૂ કરી છે. આ સ્કીમ શરૂ થયા બાદ મુસાફરો માત્ર 20 રૂપિયામાં પેટ ભરીને ભોજન કરી શકશે. ભારતીય રેલવેએ આ વિશેષ યોજના હેઠળ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના પેકેટ આપવાનો નિર્ણય કર્યો છે. આ પેકેટ્સમાં મુસાફરોને પાવ ભાજી, પુરી-શાક અને અન્ય ઘણી દક્ષિણ ભારતીય વાનગીઓ ખાવા માટે મળશે. ભારતીય રેલવેના આ નિર્ણયથી તે લોકોને ઘણો ફાયદો થશે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે. મુસાફરોને 50 રૂપિયાના ફૂડ પેકેટમાં 350 ગ્રામ ભોજન મળશે. જો કે આ યોજના માત્ર 64 સ્ટેશનો પર જ શરૂ કરવામાં આવી છે. આ યોજનાને હવે ટ્રાયલ તરીકે શરૂ કરવામાં આવશે. તે પછી આ યોજના દેશના તમામ સ્ટેશનો પર લાગુ કરવામાં આવશે. જનરલ કોચમાં મુસાફરી કરતા લોકોને આ યોજનાનો લાભ મળશે. જનરલ કોચની સામે સસ્તું ભોજન આપવા માટે ફૂડ સ્ટોલ ઊભા કરવામાં આવશે.