રાજદ્ધારી સંબંધો પણ તોડ્યા ઃ ભારતીય હાઇ કમીશનરને પણ પરત મોકલ્યા : પાકિસ્તાનમાં એનએસસીની બેઠક
ઇસ્લામાબાદ,તા. ૭
જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપનાર કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન હચમચી ઉઠ્યુ છે. પાકિસ્તાન દ્વારા સતત નિવેદનબાજી કરવામાં આવી રહી છે. કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ પરેશાન થયેલા પાકિસ્તાને હવે વધુ કેટલાક નિર્ણય કર્યા છે. હેરાન પરેશાન થયેલા પાકિસ્તાને હવે ભારત સાથે દ્ધિપક્ષીય વેપાર સંબંધોને તોડી દીધા છે. સાથે સાથે રાજદ્ધારી સંબંધોને પણ તોડી દીધા છે. આ ઉપરાંત ઇસ્લામાબાદે ભારતીય હાઇ કમીશનરને પણ પાછા મોકલી દીધા છે. પાકિસ્તાનમાં આજે એનએસસીની બેઠક યોજાઇ હતી. જેમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા. ઇમરાને આજે કહ્યું હતું કે, મને લાગે છે કે ભારતમાં કાશ્મીરીઓને મિટાવવા માગે છે. તે કાશ્મીરમાં વંશીય રીતે મુસલમાનોનો સફાયો કરી શકે છે. સ્થિતિઓને જોઇને લાગે છે કે ફરી પુલવામાં જેવી ઘટના થશે. પછી તે મારા પર આરોપ લગાવશે કે વધુ એક એરસ્ટ્રાઇક કરીશું. આપણે ફરી પાછો તેનો જવાબ આપીશુ. પછી યુદ્ધ થશે. અમે લોહીના છેલ્લા ટીપા સુધી લડીશું. વધુ કહ્યું, ”જ્યારે અમે સત્તા સંભળી તો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબીને હટાવવાનો હતો. તેથી સૌથી પહેલા અમે પાડોશીઓ સાથે સારા સંબંધો બનાવવાનું ઇચ્છ્યું. જ્યારે ભારત સાથે વાત કરીતો તેમણે પાકિસ્તાનની આતંકી ઘટનાઓને લઇને ચિંતા જતાવી. મેં નરેન્દ્ર મોદીને કહ્યું કે અમે આતંકવાદ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ક્યારે થવા નહીં દઇએ. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાને કહ્યું, હું અને મારી પાર્ટી વિશ્વના નેતાઓને એ કહેવાની જવાબદારી લઇએ છીએ કે કાશ્મીરમાં શું થઇ રહ્યું છે ? મને લાગે છે કે દુનિયાને તેની જાણકારી નથી. હું તેમને જણાવવા માગુ છું કે ભારત સરકાર કાશ્મીરમાં મુસલમાનો સાથે શું કરી રહી છે. હકીકતમાં તેઓ ખતરામાં છે.