ભાવનગર : ભાવનગરમાં સાયન્સના શિક્ષકને શેરબજારમાં ટ્રેડીંગ કરી ઓછા રૂપિયે વધુ નફો અપાવવાની લાલચ આપી ૫૩ લાખથી વધુની રકમ પડાવી લઈ સાઈબર ફ્રોડનો શિકાર બનાવ્યાની ઘટનામાં ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસે વધુ બે શખ્સને ઉઠાવી લઈ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને સરદાર પટેલ સંકુલમાં ધો.૧૧-૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)ને ચારેક માસ પૂર્વે સાઈબર ગઠિયાઓએ આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ, ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવી લાલચ આપી ૫૩.૯૦ લાખ રૂપિયા અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરાવ્યા હતા. જેમાંથી એક વખત ૮૩ હજારની રકમ ઉપાડવા દીધા બાદ બીજી રકમ વીડ્રો કરવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને અન્ય ચાર્જીસના વધુ રૂપિયા ભરવા પડશે તેમ કહીં રૂા.૫૩.૦૭ લાખની રકમ ચાઉં કરી જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે શિક્ષક ચેતનભાઈ જોષીએ ગત તા.૧૨-૮ના રોજ ભાવનગર સાઈબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કે.જી. ચાવડાએ તપાસ હાથ ધરી હતી.આ ફરિયાદના આધારે ભાવનગર સાઈબર પોલીસની ટીમે તપાસનો ધમધમાટ આદરી ગત ૧૫મી ઓગસ્ટના રોજ નાણાં ટ્રાન્સફર થયેલા બેન્ક એકાઉન્ટ પૈકી એક બેન્ક એકાઉન્ટનો ધારક ઘનશ્યામ કવાડ નામના શખ્સની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ તપાસ દરમિયાન વધુ બે શખ્સની પણ સંડોવણી બહાર આવતા સાઈબર પોલીસની ટીમે બેન્ક એકાઉન્ટ આગળ મોકલનાર વચેટીયાઓ અવિનાશ મુકેશભાઈ હડિયા (ઉ.વ.૨૮, હાલ રહે, ૮૧, શાંતાકુંજ સોસાયટી, ચોર્યાસી ડેરી નજીક, પરવત પાટિયા, સુરત, મુળ વેળાવદર, તા.તળાજા) અને સંજય કરશનભાઈ હડિયા (ઉ.વ.૨૯, હાલ રહે, ૧૮૧, અર્ચના સ્કૂલ, પુણા ગામ, સીતારામ સોસાયટી, નાના વરાછા, સુરત, મુળ વેળાવદર, તા.તળાજા) નામના શખ્સોને ગઈકાલે મંગળવારે સાંજના સમયે ઝડપી લીધા બાદ આજે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું તપાસનીસ અધિકારી પીઆઈ કે.જી. ચાવડાએ જણાવ્યું હતું.