ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી મોરારિબાપુના નિવેદન બાદ વિવાદ સર્જાયો હતો. ત્યારે સ્વામિનારાયણના સંતો-મહંતો, ભક્તો અને ધર્મપ્રેમી સંતો-મહંતો, ભક્તો દ્વારા ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી. તો કેટલાક વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે આ વિવાદ હજુ મોટું સ્વરૂપ ના લે અને વિવાદનો અંત આવે તે માટે બન્ને પક્ષ વચ્ચે બેઠક યોજાઇ હતી.
ગુજરાતની સૌથી લોકપ્રિય ચેનલ VTVના મહામંથનમાં મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોની થયેલી સમુદ્રમંથન જેવી ચર્ચાથી નીકળેલા અમૃતથી નીલકંઠ વિવાદનો સંપૂર્ણ અંત આવ્યો છે. જુનાગઢમાં મળેલી સંત સમાજની બેઠકમાં બન્ને પક્ષોએ ચર્ચા કરી આ વિવાદ પર પૂર્ણ વિરામ મુકી દીધો છે.
જૂનાગઢ ખાતે મળેલી બેઠકમાં થયું સમાધાન
મંગળવારે જુનાગઢના પ્રેરણાધામ ખાતે બંને પક્ષના સંતો અને ભક્તો વચ્ચે મળેલી બેઠકમાં નીકલંઠ વિવાદનો અંત આવ્યો છે. VTVના પ્રયાસ બાદ મોરારિબાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે વિવાદનો અંત આવ્યો છે. નીલકંઠ મામલે શાંતિપુર્ણ રીતે સમાધાન થયું છે.
અગાઉ મોરારિબાપુના નીલકંઠવર્ણી નિવેદનથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રોષની લાગણી પ્રસરી હતી. પરંતુ હવે સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને વિવાદનો અંત લાવવા હરિભક્તો અને ધર્મપ્રેમીઓને હાંકલ કરી છે. આ વિવાદ મોટું સ્વરૂપ લેતા BAPS અને વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ શાંતિની અપીલ કરી છે.