મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો મુદ્દે અત્યારસુધી જોવા મળેલા વલણોમાં ભાજપની લહેર જોવા મળી છે. મહાયુતિ ગઠબંધન 210 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જ્યારે મહા વિકાસ અઘાડી 67 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાયુતિમાં પણ ભાજપ 125 બેઠકો પર આગળ છે. જેને ધ્યાનમાં લેતાં રાજકીય વિશ્લેષકોએ અજિત પવાર અને એકનાથ શિંદેનું કદ ઘટશે કે કેમ તેની અટકળો લગાવી રહ્યા છે.
મહાયુતિની 210 બેઠકોમાંથી ભાજપ પાસે 125 બેઠક :
મહાયુતિ ગઠબંધન 210 બેઠકો પર લીડ કરી રહ્યું છે. જેમાં એકલુ ભાજપ 125 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શિવસેના 55 અને અજિત પવારની એનસીપી 34 બેઠકો પર લીડ મેળવી છે. આ વલણના પગલે ભાજપ એકલો પોતાના દમ પર સરકાર બનાવવા સક્ષમ હોવાનો દાવો રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે. જો કે, વાસ્તવિક વલણ તો સંપૂર્ણ પરિણામો આવ્યા બાદ જ જાણવા મળશે.ભાજપને બહુમતી મળતાં આગામી સરકારમાં શિંદે અને અજિત પવારનું વર્ચસ્વ ઘટી શકે છે. બાર્ગેનિંગ પાવર પર તેની અસર થશે. આ ગઠબંધનમાં આ બંને પક્ષ જે રીતે પોતાનો દબદબો દર્શાવતા હતા. તે ઘટી શકે છે.
મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહી શકે છે :
ભાજપ જો બહુમતી સાથે જીત હાંસલ કરે છે તો મુખ્યમંત્રી પદ ભાજપ પાસે રહી શકે છે. આ ચૂંટણી પરિણામો બાદ એકનાથ શિંદે પાસેથી મહારાષ્ટ્રનું સીએમ પદ છીનવાઈ શકે છે. શિંદે અને પવાર પણ ભાજપની બહુમતી હોવાથી કોઈ વિરોધ કરી શકશે નહીં. મંત્રીમંડળની ફાળવણી પર પણ અસર થશે. તેઓ ભાજપ પર દબાણ કરી શકશે નહીં.