રાની મુખરજીની પહેલી ફિલ્મ ‘રાજા કી આએગી બારાત’ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે તેના પિતાની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. ૧૯૯૬માં આવેલી આ ફિલ્મ બળાત્કારના વિષય પર બનાવવામાં આવી હતી.
આ ફિલ્મ સાથે સંકળાયેલી યાદ વિશે જણાવતાં રાની મુખરજીએ કહ્યું હતું કે ‘મારી ‘રાજા કી આએગી બારાત’ જે દિવસે રિલીઝ થઈ હતી એ સૌથી યાદગાર છે, કારણ કે એ દિવસે મારા ડૅડી (ફિલ્મમેકર સ્વર્ગીય રામ મુખરજી)ની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેઓ ઑપરેશનની ના પાડી રહ્યા હતા, કારણ કે તેમને મારી ફિલ્મ રિલીઝ થાય એની ઇન્તેજારી હતી. એ વખતે મેં તેમને કહ્યું હતું કે સ્થિતિને જોતાં તેમણે સર્જરી કરાવવી જોઈએ.
તેમણે સર્જરી તો કરાવી, પરંતુ તેઓ એકાદ-બે દિવસ માટે બેભાન રહ્યા હતા. તેઓ જ્યારે સ્વસ્થ થયા અને ભાનમાં આવ્યા ત્યારે તેમણે પહેલી વસ્તુ મને એ પૂછી હતી કે ફિલ્મ રિલીઝ થઈ ગઈ? એ કેવી ચાલી રહી છે?’
ફિલ્મ જોયા બાદ રાનીના ડૅડી ખૂબ ભાવુક થયા હતા. એ બાબત જણાવતાં રાનીએ કહ્યું હતું કે ‘મને આજે પણ યાદ છે કે જે દિવસે હું તેમને ઘરે લઈ ગઈ હતી. તેમણે મને દર્શકો સાથે ફિલ્મ જોવાનો આગ્રહ કર્યો હતો.
તેઓ વ્હીલચૅર પર ફિલ્મ જોવા ગયા હતા અને લોકોનાં રીઍક્શન જોઈને તેઓ નાના બાળકની જેમ રડવા લાગ્યા હતા.
‘રાજા કી આએગી બારાત’ સાથે મારી આ યાદો જોડાયેલી છે. એને હું જીવનમાં કદી પણ નહીં ભૂલું.’