આજથી અંબાજી ભાદરવી પૂનમના મહા મેળાનો પ્રારંભ થયો છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી ભાદરવી મહામેળાને ખુલ્લો મુક્યો છે. લાખો ભક્તોને આવકારવા માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ થનગની રહ્યું છે.અને એ મુજબની જુદી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. 860 વ્યક્તિદીઠ એક શૌચાલયનું નિર્માણ ઉપરાંત પીવાના પાણીના ટેન્કરમાંથી નળ દ્વારા પાણી મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજીમાં શનિવારે સાંજે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. દરમિયાન યાત્રાધામમાં આજથી 14 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાઇ રહ્યો છે. રવિવારના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી માતાજીના રથનું પ્રસ્થાન કરાવીને 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી મહાકુંભનો વિધિવત શુભારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રી અંબાજી મંદિર ખાતે સવારે 6:10ની આરતી તેમજ દર્શન અને માતાજીની પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ ધ્વજા રોહણ અને યજ્ઞ શાળા ખાતે આહૂતિ આપી હતી. દેવેશ ગૃપ ૩ ડી મુવીની મુલાકાત લઇ વેસ્ટમાંથી બેસ્ટ આર્ટિકલના વિતરણનો શુભારંભ કરાવી ખોડીવડલી સર્કલ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રીફળ વધેરી માતાજીનો રથ દોરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું અને પ્રદર્શન ગેલેરીનું ઉદ્દઘાટન કર્યું હતું.
નિઃશુલ્ક બસ સેવાનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
આ પ્રસંગે મુખ્યમંત્રી માતૃમિલન પ્રોજેકટ, ઓટોમેટેડ એસએમએસ હેલ્પલાઇન,લાઇવ વેબકાસ્ટિંગ અને પ્રદર્શન ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું. બાદમાં અપંગ,અશક્ત અને દિવ્યાંગો માટે મેળા દરમ્યાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક બસ સેવાનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવ્યો હતો.યાત્રિકોની સુરક્ષાને લઈ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે.
જોકે,ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં વરસાદી માહોલને જોતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો રહે તેવું જાણકારો માની રહ્યા છે.ગત વર્ષે 24 લાખથી વધુ ભક્તો આવ્યા હોવાનું વહીવટીતંત્ર દ્વારા જણાવાઈ રહ્યું છે આ વર્ષે 30 લાખ ભક્તોની આશા રાખી તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.પરંતુ વરસાદી માહોલ જોતા યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય તેવું જણાઈ રહ્યું છે.