કહેવાય છે કે ‘હીરો કોઈના કપડા પહેરી લેવાથી નહીં પરંતુ વ્યક્તિના મજૂબત ઈરાદાને કારણે બને છે.’ આવી જ કંઈક વાત દિગ્દર્શક અભિષેક શર્મા અને જૉન અબ્રાહમ પોતાની નવી ફિલ્મ ‘પરમાણુઃ ધ સ્ટોર ઓફ પોખરણ’માં લઈને આવ્યા છે. વાત 1998ના એ પોખરણ પરમાણુ ટેસ્ટની છે જ્યારે ભારતે અમેરિકા જેવા જગત જમાદાર દેશના નાક નીચેથી એક નહીં પરંતુ 5-5 પરમાણુ પરીક્ષણ કર્યા અને દુનિયાનભરમાં ભારતનો ડંકો વગાડી દીધો હતો. આ ટેસ્ટ બાદ ભારત પર કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા જોકે ફાયદો એ થયો કે ભારતની ગણના હવે પરમાણુ શક્તિ સંપન્ન દેશોમાં થવા લાગી હતી.
સ્ટાર કાસ્ટ: જૉન અબ્રાહમ, ડાયના પેંટી, બોમન ઈરાની
નિર્દેશક – અભિષેક શર્મા
ફિલ્મનો પ્રકાર – એક્શન, ડ્રામા, ઈતિહાસ
સમયગાળો – ૨.૦૯ કલાક
ફિલ્મમાં વાર્તાની શરુઆત 1995થી કરવામાં આવી છે. જેમાં પોતાના ઈરાદાઓથી મજબૂત અને પાક્કો દેશભક્ત અશ્વત રૈના(જૉન અબ્રાહમ) અનુસંધાન અને વિશ્લેષણ વિભાગનો એક ઈમાનદાર સિવિલ અધિકારી છે. તે વડાપ્રધાન કાર્યાલયમાં ભારતને પરમાણુ રાષ્ટ્ર બનાવવા માટેનો મુદ્દો ઉપાડે છે. મીટિંગ પહેલા તો તેની ખૂબ જ મજાક ઉડાવવામાં આવે છે. જે બાદ ટોચના કેટલાક અધિકારીઓ દ્વારા તેનો આઇડિયા ચોરી કરી લેવામાં આવે છે અને અશ્વતની જાણકારી વગર જ તેના આઇડિયા પર અમલ કરવામાં આવે આવે છે.
પોતાની વાહવાહી માટે કરવામાં આવેલ આ પ્રયોગમાં સરકારી મશિનરી નિષ્ફળ જતા ભ્રષ્ટ વ્યવસ્થામાં બલીનો બકરો અશ્વસ્તને બનાવવામાં આવે છે અને તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. સિસ્ટમ સામે પડેલો હતાશ અશ્વત થાકી હારીને પોતાની પત્ની સુષમા(અનુજા સાઠે) અને પોતાના દીકરા સાથે મસૂરી ચાલ્યો જાય છે. પરંતુ ચીત્ર બદલાય છે ત્રણ વર્ષ પછી જ્યારે નવી સરકાર રચાય છે અને નવા વડાપ્રધાનના મુખ્ય સચિવ હિમાંશુ શુક્લા(બમન ઈરાની) દ્વારા તેને પરત બોલાવવામાં આવે છે.
અશ્વતને ડાયરેક્ટ ઓર્ડર દ્વારા પોતાની ટીમ બનાવવા જણાવવામાં આવે છે. જેના આધારે ફરી પરમાણુ પરીક્ષણ કરી શકાય. જેમાં અશ્વત પોતાને કૃષ્ણ નામ આપીને પાંડવ નામથી એક ટીમનું ગઠન કરે છે. તેની ટીમમાં કેપ્ટન અમ્બાલિક ઉર્ફ નકુલ(ડાયના પેન્ટી) ઉપરાંત વિકાસ કુમાર, યોગેન્દ્ર ટિંકુ, દર્શન પાંડે, અભીરાય સિંહ, અજય શંકર સદસ્યોને ખોટા નામ સાથે પરમાણુ પરીક્ષણ માટે અલગ અલગ જવાબદારી સોંપવામાં આવે છે.
દેશના કાબિલ જવાનો અને વૈજ્ઞાનિકોની ટીમ સાથે ભારતનું ગૌરવ વધારવા માટે અશ્વતની પોખરણ મુસાફરી શરૂ થાય છે. પરંતુ તેના રસ્તામાં ત્રણ સૌથી મોટા અંતરાય છે. 1) દુનિયાના ચપ્પેચપ્પા પર નજર રાખતા અમેરિકન સેટેલાઇટ, 2)પાકિસ્તાની તેમજ અમેરકિન જાસૂસ અને દેશનુ વાતાવરણ જોકે આ બધી મુશ્કેલીઓને પાર કરીને કઈ રીતે આ ટીમ પરમાણુ પરીક્ષણને સફળ બનાવે છે તે જોવા માટે તમારે એકવાર તો થીયેટરમાં જવું જ જોઈએ.
ફિલ્મ સત્ય ઘટના પર આધારીત છે અને દિગ્દર્શક અભિશેક શર્માએ પરમાણુ પરીક્ષણ જેવી દેશની ગૌરવવન્તી ઘટનાને કેમેરે કંડારવા માટેની પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી પાત્રો અને લોકેશન દરેકને રીયલ લાઇફ ટચ આપ્યો છે. સમગ્ર ફિલ્મ દરમિયાન થ્રિલ દર્શકોને બાંધી રાખવા માટે સક્ષમ છે. તો આ વચ્ચે 90ના દશકાની કેટલીક રીયલ ફૂટજે ફિલ્માં એટલી સરસરીતે વણી લેવાઈ છે કે તે ફિલ્મને વધુ વિશ્વસનીય બનાવે છે.
જોકે ફર્સ્ટ પાર્ટ થોડો ધીમો છે. પરંતુ સેકન્ડ હાફ ઝડપ પકડે છે. તો ક્લાઇમેક્સ તમને એક ભારતીય હોવા પર ગર્વનો અનુભવ જરુર કરાવશે. તમને જણાવી દઇએ કે 90ના દાયકામાં જ્યારે એકતરફ દુનિયાના ઘણા દેશ ભારતનો વિરોધ કરત હતા પરંતુ પરમાણુ પરીક્ષણ બાદ એકબાદ એક દેશ ભારતને પરમાણુ શક્તિ માનવા લાગ્યા હતા. જ્યારે ફિલ્મના દેશભક્તિ ભરેલા સંવાદો માટે લેખક સેવન ક્વાદ્રસ, સંયુક્તા ચાવલા શેખ અને અભિષેક શર્માને શ્રેય આપવુ જોઈએ. જોકે ફિલ્મમાં પરમાણુ પરીક્ષણે થોડું નાટકીય બનાવા સુરક્ષા પ્રક્રિયાની નાનીનાની પણ મહત્વની વાતોને નજરઅંદાજ કરવામાં આવી છે.
જો એક્ટિંગની વાત કરવામાં આવે તો જૉન આ વખતે બાજી મારી ગયો છે. અશ્વતનો રોલ નિભાવતો જૉન ફિલ્માં ક્યાંય પણ એક્શન હીરો કે માચો મેનના રોલમાં જોવા નથી મળતો. તો ફિલ્મમાં તેણે પહેલીવાર પોતે માર ખાયો હોય તેવા સીન્સ પણ આપ્યા છે. જ્યારે ડાયના પેન્ટીએ પોતાની ભૂમિકા દમદાર રીતે નિભાવી છે. જ્યારે જૉનની પત્નીની ભૂમિકામાં અનુજા સાઠેએ પણ જોરદાર અભિનય આપ્યો છે. જ્યારે ખૂબ જ લાંબા સમાય બાદ હિમાંશુ શુક્લાની ભૂમિકામાં જોવા મળતા બોમન ઈરાની પોતાના જુના રંગમાં જોવા મળે છે. ફિલ્માં તેમની હાજરી એક મજેદાર અનુભવ સાબિત થાય છે.