
અમદાવાદ: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫ ડિસેમ્બર, મંગળવારે કચ્છના એક દિવસીય પ્રવાસે આવશે.વડા પ્રધાન કચ્છના માંડવી ખાતે ડિસેલિનેશન પ્લાન્ટ તેમજ વિશ્ર્વના સૌથી વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કનું કચ્છના ટેન્ટ સિટી, ધોરડોથી મંગળવારે બપોરે ૨.૦૦ કલાકે ખાતમુર્હુત કરશે.

વડા પ્રધાનશ્રી ભુજ એરપોર્ટથી સીધા ધોરડો પહોંચશે અને દરિયાના પાણીને મીઠા બનાવવાના કચ્છના ગુંદિયાળી સહિત સૌરાષ્ટ્રના ગાંધીવી-દ્વારકા, ઘોઘા-ભાવનગર, સુત્રાપાડા-સોમનાથ મળીને ચાર ડિસેલીનેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કચ્છ સરહદે મોટા રણમાં સૌરઊર્જા અને પવનચક્કીથી ઊભા થનારા વિશ્ર્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટની ક્ષમતાના હાઇબ્રીડ એનર્જી પાર્કનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન પણ કરશે.તેઓ સરહદ ડેરી દ્વારા અંજાર ભચાઉ વચ્ચે ઊભા કરાનાર બે લાખ લીટર દૂધના ચિલિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવાના છે.ધોરડો ખાતે વડા પ્રધાન કચ્છના પ્રગતિશીલ ખેડૂતોને અને કચ્છ સરહદે ખેતી કરતા પંજાબી ખેડૂતોને મળી તેમને સાથે વાર્તાલાપ કરશે અને કચ્છના હસ્તકલા કારીગરોને પણ મળશે. ટેન્ટસિટીમાં રણ વચ્ચે ઊભા કરાયેલા વિશાળ ડોમમાંથી આ બધા વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરશે.વડા પ્રધાન કચ્છના ધોરડો ખાતેથી રાષ્ટ્રિય કિસાન વિકાસ યોજના અંતર્ગત કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. દ્વારા અંદાજે રૂ. ૧૨૯ કરોડથી વધુના ખર્ચે સ્વંય સંચાલિત ડેરી પ્લાન્ટની ડિજિટલ માધ્યમથી ભૂમિપૂજન વિધિ સંપન્ન કરશે.