વડોદરા શહેરના સયાજીપુરા APMC માર્કેટમાં ગુરૂવારે મધ્ય ગુજરાત કિસાન મોરચાની વિસ્તારક યોજનાની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો જેવા નાના-મોટા કામો માટે વડાપ્રધાન બન્યા નથી.
વર્ષ 2014માં ભાજપે જ કર્યો હતો પેટ્રોલ-ડિઝલના વધી રહેલા ભાવનો વિરોધ
ઉલ્લેખનીય છે કે, વર્ષ- ૨૦૧૪ પહેલા જયારે ભાજપ સરકાર સત્તા પર ન હતી. ત્યારે સત્તા પર આવવા “બઢ ગયી મહેંગાઈ કી માર , અબ કી બાર મોદી સરકાર” ના નારા સાથે દેશ ભરમાં પેટ્રોલ ડીઝલની વધતી કિંમતો પર વિરોધ પ્રદર્શનો કરતી હતી. જયારે આજે ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટે કરેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગેના નિવેદને ભાજપની પ્રજા પ્રત્યની કેટલી લાગણી છે તેના દર્શન કરાવ્યા હતા.
નરેન્દ્ર મોદી આવા નાના મોટા કામો માટે સત્તા પર નથી આવ્યા: શબ્દશરણ બહ્મભટ્ટ
બેઠકમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કિશાન મોરચાના આગેવાનો અને ખેડૂતોને સંબોધતા શબ્દશરણ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૦૨માં ગોધરાકાંડ સમયે જે રીતે વિશ્વ ભરનું મિડિયા નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાચારો પ્રસિદ્ધ કરતુ હતું. તેવી જ રીતે હાલ આગામી વર્ષ-૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મીડિયા મેદાને પડ્યું છે. પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવો અંગે તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી આવા નાના મોટા કામો માટે સત્તા પર નથી આવ્યા.
પ્રજા વચ્ચે સરકાર વિરુદ્ધ ઉપસ્થિત થતા પ્રશ્નોની કરાઈ હતી ચર્ચા
દેશમાં હાલ સૌથી વધુ આક્રોશ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે છે. આ ભાવવધારાને અંકુશમાં લાવવા માટે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોને તેઓના ઉત્પાદનની યોગ્ય કિંમત પણ મળતી નથી. બે દિવસ પહેલા દિલ્હીમાં કિસાનો પર લાઠી ચાર્જ અને ખાતરના વધેલા ભાવો અંગે ખેડૂતો સાથે કિસાન મોરચાના સદસ્યો અને હોદ્દેદારોએ કેવી રીતે ચર્ચા કરી ખેડૂતોને પક્ષ તરફી વિચારધારામાં વાળવા માટે આ ખાસ વિસ્તારક યોજનાની બેઠક મળી હતી. જેમાં પ્રજા વચ્ચે સરકાર વિરુદ્ધ ઉપસ્થિત થતા પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આજે વડોદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીમાં મળેલી કિશાન મોરચાની બેઠકમાં પ્રદેશ મહામંત્રીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગે કરેલા નિવેદને અને મિડીયા ઉપર મારેલા ચાબખા પ્રજામાં ચર્ચાનો વિષય બન્યા છે.