આગામી અઠવાડિયે શરૂ થતાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદામાં સુધારો સહિત છ નવા બિલ રજૂ કરવામાં આવશે. ગુરુવારે સાંજે લોકસભા સચિવાલય દ્વારા જારી બુલેટિનમાં આ બિલની યાદી પ્રકાશિત કરવામાં આવી. ચોમાસું સત્ર 22 જુલાઈથી શરૂ થઈને 12 ઓગસ્ટ સુધી ચાલશે.નાણા મંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

નાણા બિલની સાથે, સૂચિબદ્ધ અન્ય બિલોમાં ભારતીય વિમાન બિલ 2024, બોઇલર બિલ, કોફી (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલ અને રબર (પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ) બિલનો સમાવેશ થાય છે. દરમિયાન લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદીય કાર્યસૂચિ નક્કી કરવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટીની પણ રચના કરી છે.લોકસભા અધ્યક્ષની અધ્યક્ષતાવાળી સમિતિમાં સુદીપ બંદ્યોપાધ્યાય (ટીએમસી), પીપી ચૌધરી (ભાજપ), લવુ કૃષ્ણ દેવરાયલુ (તેદેપા), નિશિકાંત દુબે (ભાજપ), ગૌરવ ગોગોઈ (કોંગ્રેસ), સંજય જયસ્વાલ (ભાજપ), દિલેશ્વર કામત (જેડીયુ), ભર્તૃહરિ મહતાબ (ભાજપ), દયાનિધિ મારન (દ્રમુક), બૈજયંત પાંડા (ભાજપ), અર વદ સાવંત (શિવસેના-યુબીટી), કે.સુરેશ (કોંગ્રેસ), અનુરાગ ઠાકુર (ભાજપ) અને લાલજી વર્મા (સપા) સભ્ય બન્યા છે.