બેંગ્લોર, તા. ૨૩
કર્ણાટકમાં ૧૪ મહિના જુની સરકાર ગબડી પડ્યા બાદ ભાજપને સરકાર બનાવવાની તક મળી ગઈ છે. વિશ્વાસમતમાં જીત મળ્યા બાદ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ વિક્ટ્રી સાઈન દર્શાવીને ખુશી દર્શાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ એચડી કુમારસ્વામી રાજભવન જઇને રાજીનામુ સોંપી રહ્યા છે. બીજી બાજુ તેમના રાજીનામા બાદ ભાજપના વરિષ્ઠ નેતા યેદીયુરપ્પા સરકાર રચવાની કવાયતમાં લાગી ગયા છે. મળેલી માહિતી મુજબ યેદીયુરપ્પા આવતીકાલે બુધવારના દિવસે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળશે અને સરકાર બનાવવા દાવો કરશે. ગુરુવારના દિવસે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. જા કે, આ સંબંધમાં હજુ સુધી કોઇ નક્કર માહિતી મળી શકી નથી. ૧૫ અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામા બાદથી જ કુમારસ્વામી સરકારના પતનના દિવસો શરૂ થઇ ગયા હતા. મતદાનને ટાળવાના તમામ પ્રયાસ હાલમાં થઇ રહ્યા હતા. અંતે આજે સાંજે વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સત્તાપક્ષને માત્ર ૯૯ મત મળ્યા હતા.