દિવાળી તહેવારને લઇ રાજકોટ એસ.ટી. ડિવિઝનની ચાંદી થઇ ગઇ છે. વર્ષ 1961થી 2018 સુધીના છેલ્લા 57 વર્ષમાં ક્યારેય ન થઈ હોય એટલી વિક્રમ સર્જક આવક નોંધાઇ છે. ગઈકાલે એટલે કે 12 નવેમ્બર 2018ના રોજ એક દિવસની આવક રૂા.64,30,000 થતાં સમગ્ર ડિવિઝનમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે.
દિવાળીના પાંચ દિવસમાં થઇ 2.42 કરોડની આવક
આ અંગે વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ વિગતો જાહેર કરતાં પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી.ડિવિઝનના ઈતિહાસમાં પ્રથમવાર એક દિવસની આવક રૂા.64 લાખ 30 હજાર સુધી પહોંચી છે અને આ સાથે જ એક નવો રેકોર્ડ બન્યો છે. દિવાળીના તહેવારોના પાંચ દિવસ દરમિયાન ગત વર્ષ 2017માં કુલ આવક રૂા.2.04 કરોડ થઈ હતી, જ્યારે ચાલુ વર્ષ 2018માં દિવાળીના પાંચ દિવસ દરમિયાન 2.42 કરોડની આવક થઈ છે. આમ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે રૂા.38 લાખની વધુ આવક થઈ છે.