કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાફેલ સોદાને લઇને મોદી સરકાર પર સતત હુમલો કરી રહ્યા છે. તેમણે અહીંયા સોમવારે કહ્યું કે હજુ તો શરૂઆત થઈ છે. હવે જોજો, મજા આવશે. આગામી 2-3 મહિનામાં એવી મજા અમે તમને બતાવીશું. આ પહેલા ઓગસ્ટમાં રાહુલે કહ્યું હતું કે રાફેલમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર છે. આવનારા કેટલાક અઠવાડિયાઓમાં મોટા બોમ્બ પડવાના છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર બીજેપી નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, “આ કોંગ્રેસ માટે શરમની વાત છે કે રાહુલ ગાંધી તેમની પાર્ટીના અધ્યક્ષ છે, જેઓ પોતે અતિશય બેજવાબદાર અને એકદમ જૂઠ્ઠા છે. એવા નેતા પાસેથી આપણે કંઇપણ અપેક્ષા ન રાખી શકીએ જેનો આખો પરિવાર કૌભાંડોમાં સંડોવાયેલો છે, પછી તે બોફોર્સ હોય કે નેશનલ હેરાલ્ડ.”
મોદી ચોકીદાર નહીં, ચોર છે
રાહુલે કહ્યું કે એક-એક કરીને અમે બતાવીશું કે નરેન્દ્ર મોદી ચોકીદાર નથી, ચોર છે. મોદી સરકારે દરેક જગ્યાએ બેઇમાની કરી છે. મોદીના રાફેલ, લલિત મોદી, વિજય માલ્યા, નોટબંધી, ગબ્બરસિંહ ટેક્સ જેવા તમામ કામોમાં ચોરી થઈ છે.
રાહુલે કહ્યું હતું- મોદી ચોરોનો સરદાર
કોંગ્રેસ અધ્યક્ષે સોમવારે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને મોદીને ચોરોના સરદાર (ઇન્ડિયાઝ કમાન્ડર ઇન થીફ) જણાવ્યા હતા. રક્ષામંત્રી નિર્મલા સીતારામને આ આરોપો પર કહ્યું કે કોંગ્રેસ આંતરરાષ્ટ્રીય સ્તરે મોદી સરકારને બદનામ કરવાનું અભિયાન ચલાવી રહી છે.
ઓલાંદના નિવેદન પર વધ્યો હતો વિવાદ
– ઓલાંદે કહ્યું હતું કે રિલાયન્સને સ્થાનિક ભાગીદાર તરીકે પસંદ કરવા સિવાય કોઇ વિકલ્પ ન હતો. જોકે, 24 કલાક પછી જ તેમણે કહ્યું- રિલાયન્સને પસંદ કરવા વિશે દૈસો જ કંઇ જણાવી શકે છે.
– આ કરારમાં રાફેલ વિમાનોની જાળવણીની જવાબદારી ભારતની કંપનીઓને સોંપાવાની છે. આ હેઠળ દૈસો એવિયેશને અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કર્યો.