વિપક્ષના આરોપા પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે રાફેલ સોદાની વિસ્તૃત માહિતીની માંગણી કરી હતી
નવી દિલ્હી:
રાફેલ મામલે સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્ર સરકારે પોતાનો વિસ્તૃત ઉત્તર આપ્યો છે. નોંધનીય બાબત છે કે રાફેલ સોદાને લઇને વિપક્ષ દ્વારા ઘણા લાંબા સમયથી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આરોપો કરવામાં આવી રહ્યા હતા. રાફેલ સોદામાં યુદ્ધ વિમાનની કિમતોને લઇને વિપક્ષે દેશવ્યાપી અભિયાન છેડ્યુ હતું, જે અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યું હતું. આ મામલે ચીફ જસ્ટીસ રંજન ગોગાઇએ કેન્દ્ર સરકાર પાસેથી રાફેલ સોદાના નિર્ણય પ્રક્રિયાની સંપૂર્ણ માહિતીની માંગણી કરી હતી. જેની સામે કેન્દ્ર સરકારે સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટને પોતાનો ઉત્તર રજૂ કર્યો છે.
વિપક્ષના આક્ષેપો પછી સુપ્રીમ કોર્ટે ગત મહિનાની 10 તારીખે કેન્દ્ર સરકારને સીલબંધ કવરમાં રાફેલ સોદાની વિસ્તૃત માહિતી આપવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ, જસ્ટીસ એસ કે કૌલ અને જસ્ટીસ જોસેફની બેન્ચ આ મામલે સુનાવણી કરી રહી છે. જેની આગામી સુનાવણી તારીખ 29 ઓક્ટોબરે થશે.
રાફેલ સોદા મામલે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે કેન્દ્ર સરકારને ઘેરવાના બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા, કોંગ્રેસ મુજબ આ સોદામાં મોટું કૌભાંડ છુપાયેલું છે. તેનો આરોપ છે કે વર્તમાન સરકાર 1670 કરોડ રૂપિયા પ્રતિ વિમાન ચૂકવી રહી છે, જ્યારે પૂર્વ સરકારે તેના કાર્યકાળમાં પ્રતિ વિમાનની કિંમત 526 કરોડ રૂપિયા નક્કી કરી હતી.